IPLમાં ખેલાડીના વર્કલોડ પર નજર રખાશે : રવિ શાસ્ત્રી

ખેલ-જગત

ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી દીધી છે કે, આઇપીએલમાં પણ ખેલાડીઓના વર્કલોડ પર નજર રખાશે. શાસ્ત્રીએ કહ્યું હતુ કે, બીસીસીઆઇ અને કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સની સાથે અમે સંપર્કમાં છીએ. અમારી પાસે આ અંગે કેટલાક પ્લાન છે. સામાન્ય રીતે આઇપીએલના બે મહિના મારા માટે વેકેશન જેવા હોય છે. હું આરામથી મેચો જોઉં છું અને યુવા ખેલાડીઓની પ્રતિભાને માણું છું. જોકે આ વખતની આઇપીએલમાં મારી નજર વર્લ્ડ કપ માટેના દાવેદારોના વર્કલોડ પર રહેશે. નોંધપાત્ર છે કે, ગત વર્ષે પણ ભારતીય ટીમના ખેલાડીઓને ખાસ કરીને ફાસ્ટરોને આઇપીએલમાં વધુ કાર્યભારણ સહન કરવું ન પડે તે માટે પગલા લેવાયા હતા. જોકે તે અંગે કોઈ નક્કર હકિકત બહાર આવી શકી નહતી.