રોજર ફેડરર 70માં ક્રમાંકિત ખેલાડી સામે હારી જતા મેજર અપસેટ સર્જાયો

ખેલ-જગત

વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજું સ્થાન ધરાવતા સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સુપરસ્ટાર ફેડરરને રશિયાના ૭૦મો ક્રમાંક ધરાવતા ૨૧ વર્ષીય ખેલાડી રૃબ્લોવે ૬-૩, ૬-૪થી સિનસિનાટી માસ્ટર્સના રાઉન્ડ ઓફ ૧૬માં હરાવીને મેજર અપસેટ સર્જયો હતો. ૩૭ વર્ષીય ફેડરરને રૃબ્લોવ સામે કારકિર્દીના સૌપ્રથમ મુકાબલામાં જ હારનો સામનો કરવો પડયો હતો. રૃબ્લોવે માત્ર ૬૨ જ મિનિટમાં ફેડરર સામે વિજય મેળવ્યો હતો. સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સુપરસ્ટાર ફેડરરનો આ વર્ષ ૨૦૦૩ બાદનો સૌથી ઓછા સમયમાં થયેલો પરાજય હતો.

ત્રીજો સીડ ધરાવતા ફેડરરની હારથી ટેનિસ જગતે આંચકો અનુભળ્યો હતો. જોકે, ટોપ સીડ અને વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચે સ્પેનના કારેનો બુસ્ટા સામે ૬-૩, ૬-૪થી જીત હાંસલ કરતાં ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૧મો ક્રમાંક ધરાવતા બૌતીસ્તા આગટે સર્બિયાના કેસ્માનોવિચને ૬-૧, ૬-૨થી હરાવીને અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું હતુ.નવમો સીડ ધરાવતા મેડ્વેડવે જર્મનીના સ્ટ્રફ સામે ૬-૨, ૬-૧થી અને બેલ્જિયમનો ડેવિડ ગોફિન ફ્રાન્સના મેન્નારિનોને ૭-૬ (૮-૬), ૬-૨થી હરાવીને અંતિમ ૮માં પ્રવેશ્યા હતા.

જોકે ૮મો સીડ ધરાવતા કરેન ખાચાનોવને ફ્રાન્સના લુકાસ પાઉલેએ ૬-૭ (૩-૭), ૬-૪, ૬-૨થી હરાવીને અપસેટ સર્જ્યો હતો. ગઈકાલે રમાયેલી મેચમાં સર્બિયાના કેસ્માનોવિચે સાતમો સીડ ધરાવતા જર્મનીના ઝ્વેરેવને ૬-૭ (૪-૭), ૬-૨, ૬-૪થી હરાવ્યો હતો.