પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને વળતરના 11 કરોડ ચૂકવ્યા

ખેલ-જગત દેશ-વિદેશ

ICC ડિસ્પુટ રેઝોલ્યુશન કમિટીમાં વળતરનો કેસ હાર્યા પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને ૧.૬ મિલ્યન અમેરિકન ડૉલર એટલે કે ૧૦,૯૮,૧૬,૮૦૦ રૂપિયા ચૂકવ્યા હતા એમ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન અહેસાન મણીએ દાવો કર્યો હતો. ગયા વર્ષે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડ સામે વળતરનો કેસ ફાઇલ કર્યો હતો જેમાં કેસનો ખર્ચ, લીગલ ફીસ અને ટ્રાવેલિંગના ખર્ચના રૂપિયા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચૂકવવાના હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે દ્વિપક્ષીય સિરીઝ રમવા માટે સાઇન કરેલો MoU તોડવા બદલ ભારતીય ક્રિકેટ બોર્ડ સામે આર્થિક નુકસાનીનો કેસ કર્યો હતો. MoU પ્રમાણે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ૨૦૧૫થી ૨૦૨૩ દરમ્યાન ૬ દ્વિપક્ષીય સિરીઝ રમવાનો કરાર સાઇન કરવામાં આવ્યો હતો જે ભારતીય બોર્ડ પાળી શક્યું નહોતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન અહેસાન મણીએ કહ્યં હતું કે ‘પાકિસ્તાન કેસ હાર્યું છે એટલે ભારતીય ક્રિકેટ બોર્ડને જે નુકસાન થયું છે એનો ખર્ચ પાકિસ્તાને ચૂકવવાનો રહેશે.’