પિરિયડ્સ: અત્યંત કુદરતી પ્રક્રિયા છે, છોછ ન રાખો

આરોગ્ય

પિરિયડ્સ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ તેમજ એ દરમિયાન થતી તકલીફનું નિવારણ કેવી રીતે કરવું એની અહીં જાણકારી આપવામાં આવી છે.મેન્સ્ટ્રુઅલ સાઈકલ, મહિનો, માસિકધર્મ, પિરિયડ્સ, ટાઈમ જેને આજકાલ યુવતીઓ ડાઉન પણ કહે છે. આ પ્રક્રિયા એકદમ કુદરતી અને સામાન્ય છે. ૧૨ થી ૧૫ વર્ષની વયમાં પ્રવેશતા જ આ પ્રક્રિયા શરૃ થઈ જાય છે.

જો કે દરેક માતાએ એની પુત્રી નવ થી દસ વર્ષની હોય ત્યારે પિરિયડ્સ વિશે માહિતગાર કરવી જોઈએ અને આ પ્રક્રિયા એકદમ સામાન્ય છે એની પણ જાણ કરવી. જેથી કિશોરીઓને કોઈ માનસિક તાણનો સામનો ન કરવો પડે. આ ઉપરાંત સ્કુલમાં પણ સેનિટરી પેડ અને પેનકિલર ઉપલબ્ધ હોવા જોઈએ. તેમજ શિક્ષકોએ આ બાબતને લઈને વિદ્યાર્થીનીઓ પ્રત્યે સંવેદનશિલતા દાખવવી જોઈએ.

* ધ્યાનમાં રાખવા જેવી બાબત

– માસિકધર્મ દરમિયાન સ્વચ્છ કપડાંનો ઉપયોગ કરો. અને જો બજારમાંથી સેનિટરી પેડ્સની ખરિદી કરતા હોય તો ક્વોલિટિ પ્રત્યે ધ્યાન આપો. ઘરના જૂના કપડાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ એને વ્યવસ્થિત ધોઈને તડકામાં સુકવીને જ ફરી ઉપયોગમાં લો.

– પેડને દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વખત બદલો. પિરિયડ્સની શરૃઆત દિવસોમાં ચાર વખત બદલવું જરૃરી છે. જોકે છેલ્લા દિવસોમાં ઘણી કન્યાઓ બાર-બાર કલાક સુધી એક જ પેડ રાખે છે અને એને બદલાવવું જરૃરી નથી સમજતી. જોકે આમ કરવાથી પ્રાઈવેટ પાર્ટની અંદર અને આજુબાજુ બેક્ટેરિયા ઉત્પન્ન થઈ જાય છે અને દુર્ગંધ પણ આવે છે.

– આ દરમિયાન ડાન્સ અથવા આકરી કસરત કરવાનું ટાળવું જોઈએ. જો કે તમે પ્રાણાયમ જેવી હલકી ફુલકી કસરત કરી શકો છો.

– પેડ્સનો ઉપયોગ કર્યાં બાદ એને જૂના અખબારમાં વિટીંને પોલિથિનની બેગમાં નાંખીને કચરાપેટીમાં ફેકવું જોઈએ. ખુલ્લામાં એમ જ ફેંકવાથી ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે. જો પેડ કે કપડાનો ઉપયોગ ન કરવો હોય તો આજકાલ પિરિયડ્સ દરમિયાન મેન્સ્ટુઅલ કપનો ઉપયોગ યુવતીઓમાં વધ્યો છે. આ કપની કોઈ સાઈડ ઈફેક્ટ્સ નથી. આ કપને વર્જાઈનનાની અંદર ફિક્સ કરવામાં આવે છે. બ્લડ ભરાઈ ગયા બાદ એનો ધોઈને ફરી ઉપયોગ કરવામાં આવે છે.

આ કપ પહેરીને તમે માસિક દરમિયાન સ્વિમીંગ પણ કરી શકો છો. જો કે શરૃઆતમાં આ કપ પહેરવામાં થોડી મુશ્કેલી ઊભી થાય છે. આ કપની કિંમત ૩૦૦ રૃપિયાથી લઈને ૧૨૦૦ રૃપિયા સુધીની છે. આ થોડો મોંઘો જરૃર છે પણ આ કપનો તમે વર્ષો સુધી ઉપયોગ કરી શકો છો. આ કપ ઓનલાઈન ઊપલબ્ધ છે. તેમજ મેડિકલ સ્ટોર્સમાં પણ મળી રહે છે.

માસિક દરમિયાન શરીરમાં થાક અને દુ:ખાવો થતો હોય છે. આવી સ્થિતિમાં સમાગમથી દૂર રહેવું જ બહેતર છે. જો દુ:ખાવો ન થતો હોય તો પણ શરૃઆતના બે-ત્રણ દિવસ સમાગમ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે આ દરમિયાન પ્રાઈવેટ પાર્ટ એકદમ સંવેદનશીલ હોય છે.

આ ઉપરાંત બંનેમાંથી કોઈ એકને ઈન્ફેક્શન થવાનું પણ જોખમ રહે છે. – શરીરમાં વધુ પડતો દુ:ખાવો થાક કે તાવ વર્તાય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા લઈ શકાય છે. પેટના નીચેના ભાગમાં કે કમરમાં વધુ પડતો દુ:ખાવો હોય તો મેફટલ-સ્પાસ, ડી-સાઈકલોમાઈન, અમીગો, પિપકોલ જેવી દવાઓ બજારમાં ઉપલબ્ધ છે.

– યુવતીઓ કોઈ કારણોસર પિરિયડ્સની તારીખને આગળ લંબાવવા માંગતી હોય તો પ્રોજસ્ટ્રોરન નામની દવા કોમન છે. આ ઉપરાંત પણ ઘણી દવાઓ બજારમાં ઉપલબ્ધ છે. જે માસિકને પાછળ ઠેલવા માટે ઉપયોગી સાબિત થાય છે. જો કે આ દવા પણ ડૉક્ટરની સલાહ પ્રમાણે લેવી હિતાવહ છે.

પિરિયડ્સ અને એ પહેલાના પ્રિ મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ દરમિયાન ખોરાક લેવામાં સાવચેતી રાખવી જોઈએ. ઘણીખરી યુવતીઓને આ દરમિયાન ચટ્ટપટ્ટુ અથવા મીઠુ ખાવાની ઈચ્છા થતી હોય છે. જોકે તાજા ફળ તેમજ લીલોતરી ખાવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત તમે આદુ અને તુલસીવાળી ચા પીને રાહત મેળવી શકો છો. આ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ જરૃરી છે.

– માસિકની પિડાને દૂર કરવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ કરી શકાય છે. જે નીચે પ્રમાણે છે.

હોટ વોટર બેગમાં ગરમ પાણી ભરીને કમર, પેટ અને પીઠના ભાગ પર સેક કરો. તેમજ ગરમ પાણીથી સ્નાન કરવાથી પણ રાહત મળે છે. રાત્રે સુતી વખતે ગોઠણની નીચે તકિયો રાખીને સુવાથી આરામ મળે છે.

એક ચમચી કાંદાના રસમાં મધ મિક્સ કરીને પીવાથી પિરિયડ્સના દુ:ખાવામાં રાહત થાય છે. આ દરમિયાન રોજ રાત્રે એક ચમચી મેથીના દાણા પલાળીને સવારે ખાઈ જવાથી પણ ફાયદો થાય છે. તેમજ રાત્રે હળદર વાળુ દૂધ પીવાથી પણ દુ:ખાવામાં રાહત મળે છે. મા બન્યા બાદ પિરિયડ્સનો દુ:ખાવો ઓછો થઈ જાય છે. કારણ કે સેક્સુઅલ એક્ટિવિટ વધવાથી તેમજ ડિલિવરી પછી સર્વિક્સ ખુલ્લી જાય છે અને માસિક દરમિયાન બ્લડને નિકળવામાં સરળતા રહે છે.

દુ:ખાવાની સમસ્યા કિશોરાવસ્થામાં વધુ જોવાં મળે છે. ચાલીસી વટાવ્યા પછી અથવા મેનોપોઝની આજુબાજુના સમયમાં પણ માસિક દરમિયાન દુ:ખાવો થતો હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૃરી છે. કારણ કે આ વયમાં દુ:ખાવાનું કારણ ઈન્ફેક્શન અથવા બીજી કોઈ બિમારી પણ હોય શકે છે.