સ્વાઈન ફ્લૂને આરોગ્ય વિભાગે ભલે સિઝનલ ફ્લૂ નામ આપી દીધું હોય પણ તેનાથી તેની ગંભીરતા ઓછી નથી થઈ ગઈ. જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે મહિનામાં જેટલા 101 દર્દીઓ નોંધાયા હતાં. એટલા બીજા 101 દર્દી છેલ્લા દસ જ દિવસમાં નોંધાયા છે. આરોગ્ય વિભાગે રોગથી બચવા માટેની માર્ગદર્શિકા પ્રેસ રિલિઝ સ્વરૂપે જારી કરીને ડોર ટુ ડોર સરવે શરૂ કરાવ્યો છે. જોકે, હજુ આ પગલું એટલું અસરકારક નથી નિવડી શક્યું. બીજીતરફ શિવરાત્રીથી શહેરમાં મોડીસાંજ પથી ફરી વાતાવરણમાં શરૂ થયેલી ઠંડક અને દિવસમાં ગરમીના વાતાવરણના મિશ્રણને પગલે હાલત વધારે જોખમી બને તેવું જાણકારો જોઈ રહ્યાં છે.
આરોગ્ય વિભાગનું કહેવું છે કે, શનિવારે પણ શહેરમાં સ્વાઈન ફ્લૂના નવા 12 કેસ નોંધાયા છે. તેમાં અઠવાઝોન વિસ્તારમાં 04, સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 03, વરાછા ઝોન વિસ્તારમાં 4 અને ઉધનાઝોનમાં 1 કેસ જોવા મળ્યો છે. તેમાં સિટીલાઈટ વિસ્તારમાં 52 વર્ષની મહિલા, ભટારમાં 3 વર્ષનો બાળક, અલથાણમાં 85 વર્ષની વૃદ્ધ મહિલા, અણુવ્રતદ્વાર પાસે આઠ મહિલનાની બાળકીને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ હોવાનું નોંધાયુ છે. સગરામપુરામાં 46 વર્ષની મહિલા, ગોપીપુરામાં 28 વર્ષના યુવાન, અને ચૌટાબજારમાં 72 વર્ષના વૃદ્ધ સ્વાઈન ફ્લૂની ચપેટમાં આવ્યા છે. વરાછા વિસ્તારમાં સરથાણામાં 5 વર્ષની બાળકી, કાપોદ્રામાં 95 વર્ષના વૃદ્ધ, વરાછારોડ ઉપર 60 વર્ષના પુરુષ, અને મોટાવરાછામાં 45 વર્ષની વ્યક્તિ અને ભેસ્તાનમાં 4 મહિનાના બાળકને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ હોવાનું જણાયુ છે.