કાશ્મીર છોડવાની એડવાયઝરી પર શ્રદ્ધાળુઓ અને પર્યટકો અટવાયા, ભાડા દર આસમાને પહોંચ્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમરનાથ શ્રદ્ધાળુઓ અને પર્યટકોને વહેલી તકે કાશ્મીર છોડવાની સરકારી સલાહની સીધી અસર શ્રદ્ધાળુઓ અને પર્યટકોના ખિસ્સા પર જોવા મળી રહી છે. શ્રીનગરથી ઉડતી બધી જ ફ્લાઇટોના ભાડા હવે આસમાને પહોંચ્યા છે. શ્રીનગરથી જમ્મુ, દિલ્હી કે અન્ય સ્થળો માટે શનિવાર અને રવિવારની તમામ ફ્લાઇટ્સની ટિકિટો બુક થઇ ગઇ હતી અને જે સીટો બાકી છે તેના માટે મોટી કિંમત ચૂકવવી પડી રહી છે.

રવિવારે શ્રીનગરથી દિલ્હી રુટની ફ્લાઇટ્સમાં શરુઆતનું ભાડૂ 15 હજાર હતું અને ડાયરેક્ટ તેમજ વન સ્ટોપ માટે યાત્રી દીઠ 21 હજાર સુધીનું ભાડૂ ચૂકવવાની પરિસ્થિતિઓ બની ચૂકી હતી. શ્રીનગરથી મુંબઇ માટે મિનિમમ ભાડૂ 16,700 રુપિયા હતું તો કેટલીક ફ્લાઇટ્સમાં આ ભાડૂ વધીને 25 હજાર સુધી પહોંચ્યું હતું.

આ મામલે ડાયરેક્ટરોટ જનરલ ઓફ સિવિલ એવિએશનના એક ઉચ્ચ અધિકારીનું કહેવું હતું કે, અમે એરલાઇન્સ અને શ્રીનગર એરપોર્ટ ઓથોરિટી સાથે વાત કરી છે, જો વધારે ફ્લાઇટ્સની વ્યવસ્થા કરવાની જરુર પડશે તો તેઓ તૈયાર છે. વધતા ભાડાની વાત કરીએ તો શનિવાર અને રવિવારની ટિકિટો વેચાઇ ચૂકી છે અને જે બાકી છે તેનો બમણો ભાવ ચૂકવવો પડે એમ છે. તારણ એવું પણ છે કે, સોમવારથી ભાડા દરમાં ઘટાડો જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે અમરનાથ શ્રદ્ધાળુઓ અને પર્યટકોને કાશ્મીર છોડી દેવાની સરકારે એડવાયઝરી બહાર પાડી હતી, જેમાં તેમની પર આતંકી હુમલાની
આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. બીજી તરફ કાશ્મીરમાં હજારોની સંખ્યામાં સેના જવાનોને મોકલતા પરિસ્થિતિઓ ગંભીર બની છે. આ મામલે અનેક અફવાઓ વચ્ચે રાજકારણ ગરમાયું છે.