હાલ રાજ્યની મેડિકલની 5,360 બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આજે રાજ્ય સરકારે મેડિકલના વિદ્યાર્થીઓ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાતમાં હાલ સરકારી-જનરલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મળીને કુલ 12055 એટલે કે 28 ટકા જગ્યાઓ ખાલી છે. તો બીજી તરફ આજે રાજ્ય સરકારે MBBS પૂર્ણ કર્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં સેવાનો સમય 3 વર્ષથી ઘટાડીને એક વર્ષ કર્યો છે. જેને પગલે તબીબોની ઘટમાં વધુ વધારો થઈ શકે છે. જો ડોક્ટર બન્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં સેવા ન આપવી હોય તો રાજ્ય સરકારમાં રૂ.20 લાખ ભરવા પડશે. આ પૈસા ભર્યા બાદ જ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્યાર બાદ જ તે પ્રેક્ટિસ કરવા માટે લાયક ઠરશે.
5 લાખના બોન્ડ સાથે 15 લાખની ગેરન્ટી આપવી પડશે
આરોગ્યમંત્રી નીતિન પટેલ મુજબ, સરકારી લાભ મેળવીને એમબીબીએસ થયેલા વિદ્યાર્થીઓએ હવે 5 લાખના બોન્ડ અને 15 લાખની ગેરન્ટી આપવી પડશે. એમ કુલ રૂ.20 લાખની ગેરન્ટી રૂ.300ના સ્ટેમ્પ પર આપવી પડશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ વર્ષને બદલે એક વર્ષની સેવા આપવી પડશે. બોન્ડ માટે સંબંધિત વિદ્યાર્થીએ બેંક ગેરન્ટી તરીકે કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકની અથવા છેલ્લા સતત ત્રણ વર્ષથી રૂ.40 કરોડથી વધુ ડિપોઝિટ ધરાવતી રાજ્યની કોઈપણ શિડ્યુલ બેંકોની અથવા છેલ્લા સતત ત્રણ વર્ષથી રૂ.40 કરોડથી વધુની ડિપોઝિટ ધરાવતી રાજ્યની કોઈપણ નાગરિક સહકારી બેંકની ગેરન્ટી આપવાની રહેશે.
ગરીબ વિદ્યાર્થીને ગેરંટીમાંથી મુક્તિ
તેમજ જે વિદ્યાર્થી અતિ ગરીબ હોય અને તેના માતા-પિતા કે પરિવાર પાસે કોઈ મિલકત ના હોય કે બેંક ગેરન્ટીની ક્ષમતા ન હોય તેવા વિદ્યાર્થીને ખાસ કિસ્સામાં નિયત બેંક ગેરંટી અથવા મિલકત ગેરંટીની ક્ષમતા ન હોય તેવા વિદ્યાર્થીને ખાસ કિસ્સામાં નિયત બેંક ગેરંટી અથવા મિલકત ગેરંટી રજૂ કરવામાંથી મુક્તિ મળશે.
ગુજરાતની હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રોમાં 12 હજાર જગ્યાઓ ખાલી
રાજ્યના આરોગ્ય કેન્દ્રોમાં ખાલી રહેલી જગ્યાઓ અંગે ગત બજેટ સત્ર દરમિયાન આરોગ્યમંત્રી નીતિન પટેલે એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે, રાજ્યની સરકારી-જનરલ હોસ્પિટલમાં 4,644 ખાલી જગ્યાઓમાં વર્ગ-2 અને 4ના કર્મચારીઓની ભરતી થઇ નથી, તો બીજી તરફ રાજ્ય સરકારની જનરલ હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મંજૂર થયેલી જગ્યાઓ પૈકી કેટલી જગ્યાઓ ભરવામાં આવી છે. આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યની સરકારી-જનરલ હોસ્પિટલોમાં 4,644, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 3,916 અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 3,495 જગ્યાઓ ખાલી રહી છે. જ્યારે ભરવામાં આવેલી જગ્યાઓ પૈકી મોટાભાગની જગ્યાઓમાં વર્ગ 3-4ને કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પદ્ધતિથી ભરવામાં આવી છે. જ્યારે વર્ગ 1,2 અને 3માં 45 ટકા જેટલી જગ્યાઓ ખાલી રહી હોવાનો સ્વીકાર કર્યો છે.

