પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ગયા મહિને જ ટ્રમ્પ પ્રશાસન સાથે સંબંધો સુધારવા માટે અમેરિકાની મુલાકાત લીધી હતી. ઈમરાને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની પોતાની મુલાકાત સફળ ગણાવી હતી. જોકે તેમ છતાં પણ અમેરિકાએ પાકિસ્તાન માટે કોઈ પણ પ્રકારના સહયોગની જાહેરાત નહતી કરી. ઉલટાની તેમને આપવામાં આવતી આર્થિક મદદ ઓછી કરી દેવામાં આવી છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી 44 કરોડ ડોલર (રૂ. 3130 કરોડ)ની આર્થિક મદદ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાના કારણે પહેલેથી જ મદદ રોકવામાં આવી છે
અમેરિકાએ 2010માં પાકિસ્તાનને ઉર્જા, પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા અને નાગરિકોની કલ્યાણ યોજનાઓ માટે 5 વર્ષની અંદર 7.5 અબજ ડોલર(રૂ. 53.35 હજાર કરોડ)ની આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ત્યારપછીથી જ પાકિસ્તાન પર આતંકને પ્રોત્સાહન આપવાનો અને આતંકીઓને તેમની જમીન પર આસરો આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાનની મદદ રોકવાની વાત ઈમરાનની અમેરિકા મુલાકાતના ત્રણ સપ્તાહ પહેલાં જ કહી દીધી હતી.
અમેરિકાના કેરી લુગર કાયદા અંતર્ગત પાકિસ્તાનને 5 વર્ષના સમયગાળામાં રૂ. 53.35 હજાર કરોડની મદદ મળવાની હતી. પરંતુ છેલ્લા નવ વર્ષમાં તેમને માત્ર શરૂઆતના તબક્કાની જ મદદ આપવામાં આવી છે. તે પણ માત્ર 29 હજાર કરોડની. ત્યારપછી થી જ પહેલાં ઓબામા પ્રશાસન અને પછી ટ્રમ્પ પ્રશાસને મદદમાં ઘટાડો કર્યો અથવા તેને સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવી હતી.
અમેરિકા માટે કશુ નથી કરતું પાકિસ્તાન- ટ્રમ્પ
ગયા મહિને ઈમરાન સાથે મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા લાંબા સમયથી દર વર્ષે પાકિસ્તાનને 1.3 અબજ ડોલર (અંદાજે 9 હજાર કરોડ)ની મદદ કરતા હતા. પરંતુ તેમ છતાં પણ ત્યાંની સરકારે અમારા માટે કઈ ન કર્યું. પાકિસ્તાન હજી અમારી વિરુદ્ધ છે. તેથી મેં દોઢ વર્ષ પહેલાંથી તે મદદ રોકી દીધી છે.
જાન્યુઆરી 2018માં પેંટાગને પાકિસ્તાનને આપવામાં આવતી 1.3 અબજ ડોલરની મદદ રોકી દીધી છે. અમેરિકાનો આરોપ હતો કે, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં છુપાયેલા હક્કાની નેટવર્ક વિરુદ્ધ કોઈ પગલાં નથી લઈ રહ્યા. ત્યારપછી સપ્ટેમ્બરમાં એક વાર ફરી ટ્રમ્પ સરકારે આતંકીઓ વિરુદ્ધ યોગ્ય પગલાં ન લેવાના કારણે પાકિસ્તાન સેનાને આપવામાં આવતી રૂ. 2100 કરોડની મદદ રોકી લીધી છે.

