ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયર ઉલ્લંઘન કર્યું, એક જવાન શહીદ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી આજે સવારથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાની સેના તરફથી ભારે ગોળીબાર અને મોર્ટાર છોડવામાં આવી હતી. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જોકે સામ-સામે આ ગોળીબારમાં ભારતના એક જવાન શહીદ થયા છે.

શનિવારે સવારે અંદાજે 6.30 વાગ્યાથી પાકિસ્તાન તરફથી નૌશેરા સેક્ટરમાં આવેલી સેનાની ચોકીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, પાકિસ્તાન આતંકીઓને ઘૂસણખોરી કરાવવા માટે સતત સીમા પર ફાયરિંગ કરી રહ્યું છે. તે સાથે જ આતંકીઓને કવર ફાયર આપી રહ્યા છે.

સ્વતંત્રા દિવસે પણ પાકિસ્તાને કર્યું હતું સીઝફાયર
ગુરુવારે સવારે સાત વાગે પણ જ્યારે સમગ્ર દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે પણ પાકિસ્તાને અચાનક સેનાની ચોકીઓને ટાર્ગેટ કરીને ગોળીબાર કર્યો હતો. જિલ્લામાં મેંઢર સબ ડિવીઝનની કૃષ્ણા ખીણ સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને સીમા પર આવેલા ગામડાઓમાં ગોળીબાર કર્યો હતો. તેનાથી ગ્રામીણો વચ્ચે હોબાળો થઈ ગયો હતો.

સેનાએ મોર્ચો સંભાળીને પાકિસ્તાનની હરકત પર જવાબ આપવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન પીઓકેના બટ્ટલમાં પાકિસ્તાની સેનાના અંદાજે એક ડઝનથી વધારે જવાનોના મોત થયા હતા. ત્યારપછી સીમા પારથી ગોળીબાર બંધ થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન અધિકૃત બટ્ટલમાં 12થી વધુ જવાનના મોત થયા હતા. આ ઘટના પછી આઈબી અને એલઓસી પર સતર્કતા વધારી દેવામાં આવી હતી.