જેટલીની સ્થિતિ ગંભીર, અમિત શાહ અને યોગી આદિત્યનાથ પછી માયાવતીએ પણ એમ્સ જઈ મુલાકાત કરી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીની જ્યારથી તબિયત ખરાબ થઈ છે ત્યારથી તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પક્ષ-વિપક્ષના ઘણાં નેતા તેમની મુલાકાત લઈ ચૂક્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ તેમની તબિયત જોવા શુક્રવારે એમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. અમિત શાહ મોડી રાતે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત જોવા એમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી હર્ષ વર્ધન પણ હતા.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ આજે સવારે અરુણ જેટલીની તબિયત જોવા એમ્સ હોસ્પિટ પહોંચ્યા હતા. માનવામાં આવે છે કે અમિત શાહ આજે ફરી અરુણ જેટલીને મળવા એમ્સ હોસ્પિટલ પહોંચશે. આ ઉપરાંત આજે સપા સુપ્રીમો માયાવતી પણ એમ્સ હોસ્પિટલ અરુણ જેટલીની તબિયત જોવા માટે ગયા હતા.

શ્વાસ લેવામાં તકલીફ પછી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે
જેટલીને ગયા શુક્રવારે 9 ઓગસ્ટના રોજ સવારે 11 વાગે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. એમ્સે તે દિવસે મોડી સાંજે બુલેટિન જાહેર કરીને કહ્યું હતું કે, ડોક્ટર્સની ટીમ જેટલીના સ્વાસ્થય પર નજર રાખી રહ્યા છે અને હાલ તેમની હાલત સ્થિર છે. ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાન મોદી અને સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને પણ જેટલીની એમ્સ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી.

જેટલી કેન્સરની સારવાર માટે ન્યૂયોર્ક ગયા હતા
અરુણ જેટલીનું સોફ્ટ ટિશ્યૂ કેન્સરની સારવાર ચાલતી હતી. આ બીમારીની સારવાર માટે તેઓ 13 જાન્યુઆરીએ ન્યૂયોર્ક જતા રહ્યા હતા અને ફેબ્રુઆરીમાં પરત આવ્યા હતા. જેટલીએ અમેરિકાથી ઈલાજ કરાવીને પરત ફર્યા પછી ટ્વિટ કર્યું હતું કે, ઘરે આવીને ખુશ છું. આ પહેલાં જેટલીએ એપ્રિલ 2018થી જ ઓફિસ જવાનું બંધ કરી દીધું હતું. ત્યારપછી તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ત્યારપછી તેમણે ઓગસ્ટથી ફરી ઓફિસ જવાનું શરૂ કર્યું હતું. જોકે મે 2019માં તેમણે વડાપ્રધાન મોદીને કહી દીધું હતું કે તેઓ નવી સરકારમાં સામેલ નહીં થાય.

અરુણ જેટલીને બે વાર રક્ષાંમત્રાલયનો કાર્યભાર સોંપાયો
મે 2014માં મોદી સરકાર બન્યા પછી જેટલીને નાણા અને રક્ષા મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવ્યો હતો. તેઓ 2014માં છ મહિના રક્ષા મંત્રી રહ્યા હતા. ત્યારપછી મનોહર પાર્રિકરને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ ગોવાના મુખ્યમંત્રી બન્યા પછી ફરી 2017માં જેટલીને છ મહિના રક્ષામંત્રીનો પ્રભાર સોંપવામાં આવ્યો હતો. તે ઉપરાંત જેટલી બીમાર હતા ત્યારે બે વખત નાણામંત્રીનો કાર્યભાર પીયુષ ગોયલે સંભાળ્યો હતો.