એક સમય હતો જ્યારે પાકિસ્તાન ભારત સાથે તંગદિલીના સમયમાં દુનિયાને તેની પાસે પરમાણુ શસ્ત્રો હોવાની ધમકી આપતું હતું, પરંતુ તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે સંજોગોના આધારે ભારત ‘નો ફર્સ્ટ યુઝ’ની નીતિ પર ફેર વિચાર કરી શકે છે તેવા નિવેદન બાદ ગભરાઈ ગયેલું પાકિસ્તાન હવે દુનિયાને ભારતના પરમાણુ શસ્ત્રોથી ડરાવી રહ્યું છે.
કાશ્મીર મુદ્દે દુનિયામાં અલગ થલગ પડી ગયેલા પાકિસ્તાનને હવે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પણ તેના હાથમાંથી જવાનો ડર સતાવી રહ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે હવે પાકિસ્તાન સાથે માત્ર પીઓકે અંગે વાત થશે તેવું નિવેદન કરતાં પાકિસ્તાન છંછેડાયું છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારત સરકાર વિરૂદ્ધ વધુ એક ઉશ્કેરણીજનક નિવેદન કરવાનું ચાલુ રાખ્યું છે. તેમણે કહ્યું જર્મની જેમ નાઝીઓના કબજામાં હતું તે રીતે હાલ ભારત એક કટ્ટર હિન્દુ વિચારધારાના નેતૃત્વના કબજામાં છે અને દુનિયાએ ભારતના પરમાણુ શસ્ત્રો પર નજર રાખવી જોઈએ.
તેમણે ટ્વીટ કરી કે મોદી સરકાર માત્ર પાકિસ્તાન માટે જ નહીં, પરંતુ ભારતના લઘુમતીઓ અને ગાંધી અને નહેરૂના ભારત માટે પણ જોખમી છે. તેમણે દાવો કર્યો કે બે સપ્તાહથી 90 લાખ કાશ્મીરીઓ અટકાયતમાં છે. સંયુક્ત રાષ્ટ્રે તેના નિરિક્ષકોને કાશ્મીરમાં મોકલવા જોઈએ.