બિલ્કીશબાનુ કેસના આરોપી IPS ભગોરા, ડૉ. અરુણ અને સંગીતા બરતરફ કરાયા

ગુજરાત મુખ્ય સમાચાર

વર્ષ 2002માં ગુજરાતમાં વ્યાપાક પ્રમાણમાં ફાટી નિકળેલી હિંસા દરમિયાન દાહોદમાં અનેક લોકો માર્યા ગયા હતા. બિલ્કીશ બાનુ કેસ સહિતના આ મામલે પહેલા પોલીસ અને બાદમાં સીબીઆઈએ તપાસ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરોપી પોલીસ અધિકારીઓ અને ડૉક્ટર સામે કેમ કોઈ કાર્યવાહી કરી નથી તેવી પૃચ્છા કરતા ગુજરાત સરકારે આઈપીએસ અધિકારી આર. એસ. ભગોરોને તા. 30મી મેનાં રોજ બરતરફ કરી દેવાનો હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ભગોરા તા. 31મીના રોજ નિવૃત્ત થઈ રહ્યા હતા તેના એક દિવસ પહેલા બરતરફ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત દાહોદના ડૉ દંપતી અરૂણ પ્રકાશ અને સંગીતા પ્રકાશને પણ બરતરફ કરી દેવામાં આવ્યા છે. વર્ષ 2002માં થયેલા તોફાનો વખતે માર્યા ગયેલા લોકોની ઓળખ નહીં થતાં પોલીસે તેમની દફનવિધિ કરી હતી, પણ બાદમાં આ મામલે આક્ષેપો થતાં મામલો કોર્ટમાં પહોચ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે આ કેસમાં સીબીઆઈ સામેલ થઈ હતી. સીબીઆઈ દ્વારા આ મામલે પોલીસ અધિકારી આર. એસ. ભગોરા ડીવાયએસપી આર. ઓ. ભાભોર, પોલીસ ઈન્સપેક્ટર બી. આર. પટેલ, આઈ. એ. સૈયદ અને હેડકોન્સ્ટેબલ નરપત પટેલની ધરપકડ કરી તેમને આરોપી બનાવ્યા હતા. આ કેસ મુંબઈની ખાસ અદાલતમાં ચાલી જતા કોર્ટે તમામ પોલીસ અધિકારીઓ અને ડૉ. અરૂણ અને સંગીતાને નિર્દોષ છોડ્યા હતા. ખાસ અદાલતના આદેશને સીબીઆઈ દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં હાઈકોર્ટે તમામને કસુરવાર ગણ્યા હતા. જો કે તેમણે કાચા કામના કેદી તરીકે જેલમાં પસાર કરેલા ચાર વર્ષને જ સજા ગણી દંડ ભરવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર પટેલ અને સૈયદ વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ ગયા હતા. જ્યારે ચાર મહિના પહેલા રાજ્ય સરકારે હેડકોન્સ્ટેબલ નરપત પટેલને બરતરફ કરી નાખ્યા હતા. જ્યારે આઈપીએસ અધિકારી ભગોરા અમદાવાદ ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો કે જે પોલીસ અધિકારીઓને સજા થઈ ચુકી છે તેઓ કઈ રીતે ફરજ બજાવે છે અને જેઓ નિવૃત્ત થઈ ગયા તેમની સામે ક્યા પ્રકારની કાર્યવાહી થઈ છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે આકરૂ વલણ દાખવતા ગુજરાત સરકારે આર. એસ. ભગોરાને નિવૃત્તની પહેલા બરતરફ કર્યા સાથે ડૉ. અરૂણ અને સંગીતાને પણ બરતરફ કરી દેવામાં આવ્યા છે. જ્યારે આ કેસના તમામ આરોપી પોલીસ અધિકારીઓને મળવા પાત્ર પેન્શન સંપુર્ણ રીતે બંધ કરી દેવાનો આદેશ પણ સરકારે કર્યો છે.