પાણીનો બગાડ કરશો તો ખેર નથી, દંડની સાથે જેલની સજા પણ મળી શકે.

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

રાજ્યમાં પીવાના પાણીનો બગાડ, પાણી ચોરી, અનધિકૃત જોડાણ, વિતરણ વ્યવસ્થાને નુકશાન અથવા પ્રવાહને રોકવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ ને 20 હજાર થી બે લાખ રૂપિયા સુધીનો દંડ અને જેલની સજાની જોગવાઇ કરવામાં આવી છે. ગંભીર કિસ્સામાં દંડ અને જેલની સજા બન્ને થઇ શકે છે. રાજ્ય સરકારે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ) વિધેયક 2019 ને વિધાનસભામાં મંજૂર કરાવ્યું છે.

આ વિધેયક દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થાને સુરક્ષિત કરવા માટેના તમામ પાસાઓને આવરી લેવામાં આવે છે.કોઈપણ વ્યક્તિ કે જેના દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થાને નુકસાન કરવામાં આવે કે અનઅધિકૃત રીતે પાણી મેળવવામાં આવે તે વ્યકિત આ કાયદા મુજબ સજાને પાત્ર રહેશે. સજાની જોગવાઇથી લોકો આવી અનઅધિકૃત પ્રવૃતિઓ કરતા અટકશે. આ એક્ટ અન્વયે વૉટર ડિસ્ટ્રીબ્યુશન ઓથોરિટી દ્વારા પાણીના અનઅધિકૃત જોડાણ અને ઉપયોગ અન્વયે દંડ અને થયેલ નુકસાનની ભરપાઈની જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથે આ એક્ટમાં પાણીના સ્ત્રોતને આરક્ષિત કરવાની જોગવાઈ પણ કરવામાં આવેલ છે. આ વિધેયક દ્વારા પાણીના ઘર વપરાશ બાબતે થઇ રહેલ અનઅધિકૃત પ્રવૃતિઓ પર રોક લાગશે. આ વિધેયકમાં સ્થાનિક સત્તા મંડળ, મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, ગ્રામ પંચાયત, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રચર લિમિટેડ તેમજ રાજ્ય સરકાર ધ્વારા અધિકૃત કરાયેલ એજન્સીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થાનિક સત્તામંડળોનો સત્તાધિકાર તેમની સ્થાનિક લિમિટ સુધી જયારે બોર્ડ અને વોટર ઇન્ફ્રાસ્ટ્ક્ચરને સંપૂર્ણ સત્તા મળે છે. ગંભીર પ્રકારના ગુના જેવા કે પાણી વિતરણ વ્યવસ્થાને નુકશાન કરવુ, પાણીના પ્રવાહને અવરોધવા માટે ત્રણ માસથી બે વર્ષ સુધીની જેલની સજા અથવા રૂપિયા ૨૦ હજારથી એક લાખ સુધીના દંડની કે બન્ને સજાની જોગવાઇ કરવામાં આવી છે.

અનઅધિકૃત રીતે પાણીનું જોડાણ મેળવવું, મંજુર થયેલ જથ્થા કરતા વધુ પાણી, વ્યવસ્થામાં ચેડા કરીને મેળવવા માટે 3000 થી 5000 સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. આવા ગુનામાં સંડોવાયેલ અધિકારી કે કર્મચારીઓને જે તે ગુનાની સજાની બે ગણી સજાની જોગવાઇ કરવામાં આવી છે. આ વિધેયકમાં માલસમાનની જપ્તી કરી શકે તેવી જોગવાઇ પણ કરવામાં આવેલ છે. નુકશાનની રક્મનું મૂલ્યાંકન કરી ગુનો કરનાર પાસેથી તે રકમ વસુલ કરવા માટે હુકમ કરવાની તથા આવી કાર્યવાહીના સંદર્ભમાં અપીલ કરવાની જોગવાઇ છે.