ટીમ ઈન્ડિયાને ક્લિન ચિટ : વર્લ્ડ કપની સેમિ ફાઈનલની હારની સમીક્ષા નહિ થાય

ખેલ-જગત

આઇસીસી વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ટોપ ઓર્ડરના સુપરસ્ટાર બેટ્સમેનોના ફ્લોપ શૉને પરીણામે ભારત ન્યૂઝીલેન્ડ સામે હારીને બહાર ફેંકાયું હતુ. ભારતના હાઈપ્રોફાઈલ બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકા બાદ જાડેજા અને ધોનીએ જોરદાર લડત આપતાં આઘાતમાં સરી પડેલા ભારતીય ચાહકોને જોશમાં લાવી દીધા હતા. આમ છતાં ટીમ ઈન્ડિયા હારી જતા વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતુ. કરોડોની કમાણી કરતાં હાઈપ્રોફાઈલ ક્રિકેટરોની વર્લ્ડ કપની સેમિ ફાઈનલ જેવી નિર્ણાયક મેચમાં ઘોર નિષ્ફળતાથી ક્રિકેટ ચાહકોમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. આમ છતાં ભારતીય ક્રિકેટ બોર્ડનું સંચાલન કરી રહેલી કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સને ટીમ ઈન્ડિયાની નિર્ણાયક મેચમાં જ નિષ્ફળતાના કારણો શોધવામાં કે કોચ-કેપ્ટન અને સીનિયરોનો ખુલાસ પૂછવામાં રસ જ ન હોય તેમ લાગી રહ્યું છે.

બીસીસીઆઇનું સંચાલન કરી રહેલી કમિટિ ઓફ એડમિનિટ્રેટર્સ (સીઓએ)ના વડા વિનોદ રાયે કેપ્ટન કોહલી અને કોચ શાસ્ત્રી સહિતના ટીમ ઈન્ડિયાના હાઈપ્રોફાઈલ ખેલાડીઓને ક્લિન ચિટ આપતાં સ્પષ્ટ કરી દીધું છે કે,વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ભારતને મળેલી હારની સમીક્ષા સુદ્ધાં કરવામાં નહી આવે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમના દેખાવની સમીક્ષા અંગેના સવાલ પર સીઓએના વડા વિનોદ રાયે સામો સવાલ કર્યો હતો કે, ‘સમીક્ષા માટેની મિટિંગ કરવાનો સમય જ ક્યાં છે?’

નવી દિલ્હીમાં યોજાયેલી સીઓએની મિટિંગ બાદ વિનોદ રાયે એમ પણ ઊમેર્યું કે,અમને હજુ ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફ અને ટીમ મેનેજરનું ફિડબેક પણ મળ્યું નથી. નોંધપાત્ર છે કે,વિનોદ રાયે કોચ અને કેપ્ટનના રિપોર્ટ અંગે તેમજ તેમના અને ટીમ મેનેજમેન્ટના સીનિયરોના ખુલાસા અંગે કોઈ કોમેન્ટ કરી નહતી. નોંધપાત્ર છે કે,ભારત તારીખ ૯મી જુલાઈ,૨૦૧૯ના રોજ ન્યૂઝીલેન્ડ સામે હારીને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું હતુ. આ પછી ૧૭ દિવસથી વધુનો સમય વિતી ગયો હોવા છતાં હજુ બોર્ડને સપોર્ટ સ્ટાફ તેમજ મેનેજરનું ફિડ બૅક ન મળે તે ગંભીર બેદરકારી કહી શકાય. આમ છતાં તેમની સામે બીસીસીઆઇ કોઈ પગલા લેવાના મૂડમાં લાગતું નથી.