કાશ્મીરના પુલવામામાં જવાનોની શહીદી વચ્ચે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાતે હતા. આ એક દિવસની મુલાકાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રના પ્રધાન નિતીન ગડકરીની હાજરીમાં યવતમાળ અને ધૂળેમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. આ સમારોહના મંચ ઉપરથી વડા પ્રધાન મોદીએ પુલવામાં હુમલા ખોરો/ આંતકવાદીઓને તેમજ પાકિસ્તાનને સીધો પડકાર ફેંકીને ચેતવણી આપી તેમજ કહ્યું કે પુલવામાના જે હુમલાખોર આતંકવાદીઓ છે એ ગુનેગારોને ભારતની સેના બરાબરથી સજા આપશે.
થોડી રાહ જુઓ, થોડો સમય થોભી જાઓ. સેનાને પૂર્ણ રીતે મેં છૂટ આપી છે અને કહ્યું છે કે સમય અને સ્થળ તમેજ નક્કી કરો અને જેવી રીતે પાકિસ્તાની આતંકવાદીઓનો બદલો વાળવો હોય તેવી રીતે વાળવો. ભારતના સીઆરપીએફના જવાનો ઉપર છૂપી રીતે હુમલો કરનારા ગુનેગારો હવે ક્યાંય પણ છુપાઇ શકશે નહીં. લોહીના એક એક ટીપાનો આપણા જવાનો બરાબરથી હિસાબ ચૂકતે કરશે. આતંકવાદીઓ ભલે કેવી રીતે પણ છુપાવાનો પ્રયાસ કરશે પણ આ તમામ આતંકવાદીઓને શોધી કાઢવામાં આવશે અને તેમનો હિસાબ ચૂકતો કરવામાં આવશે. દેશના વિકાસ અને દેશની પ્રગતી માટે અનેક વીરોએ બલિદાન આપ્યું છે. ગુરુવારે થયેલા હુમલાના કારણે પણ નુકસાન વેઠવું પડયું છે ભારતના તમામ નાગરિકોને એનું દુખ છે. હુમલામાં મહારાષ્ટ્રએ પણ પોતાના બે સુપુત્ર ગુમાવ્યા છે. આ શહીદોનું બલિદાન અમે એળે જવા નહીં દઇશું. જેમણે ભારત ઉપર આ હુમલો કર્યો છે એ હુમલાખોરો, આતંકવાદીઓ અને એમને સાથ આપનારાઓને સજા આપવામાં આવશે.

