યુએઇના સૌપ્રથમ BAPS હિંદુ મંદિર કે જેનું નિર્માણ આ દેશની રાજધાની અબુ ધાબી ખાતે થઈ રહ્યું છે, ત્યાં તા.૨૩મી ઓગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવની બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ પૂજ્ય બ્રહ્મવિહારીદાસજીની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તા.૨૩મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઈનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘Order of Zayed’ અપાશે. જેની એપ્રિલ-૨૦૧૯માં જાહેરાત થઈ હતી.
ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન મોદીની ચાર વર્ષમાં ત્રીજી મુલાકાતને આવકારવામાં આવી રહી છે અને બન્ને દેશો વચ્ચેના સંબંધોને સુદૃઢ બનાવનારી બની રહે તે સંદર્ભમાં જોવામાં આવી રહી છે. પોતાની બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના શેખ ક્રાઉન પ્રિન્સ મોહંમદ બિન ઝાયદને મળશે અને સંયુક્ત મુદ્દાઓ પર દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે.
વડાપ્રધાનની યુએઈની આ મુલાકાત અંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓની જવાબદારી સંભાળતા વરિષ્ઠ સંત પૂજ્ય સાધુ બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની યુએઈની મુલાકાત અહીં રહેતાં ભારતીયોને અત્યંત આનંદ, ગૌરવ અને પ્રેરણા આપનારી બની રહેશે. ખાસ કરીને આપણા વડાપ્રધાનને યુએઈનો ‘સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર’ તેઓના વ્યાપાર-અર્થશાસ્ત્ર ઉપરાંત, બંને દેશો વચ્ચે મજબૂત સંબંધોના નિર્માણનાં નિરંતર પ્રયાસ માટે મળી રહ્યો છે. થોડાં જ સમયનાં અંતરમાં વડાપ્રધાનની યુએઈની ત્રીજી મુલાકાત બન્ને દેશો અને નેતાઓ વચ્ચે પણ મજબૂત સંબંધ અને વ્યક્તિગત મિત્રતાને પણ વધારશે.
સાધુ બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ બન્ને નેતાઓના પ્રેમ, સહિષ્ણુતા અને મિત્રતાના માધ્યમથી વિકાસનું વાતાવરણ નિર્માણ કરવાની ઉદારતા અને સમર્થન માટે પણ તેઓને અભિવાદન પાઠવ્યા છે.