વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે ગુજરાત સરકારે રેલવેને બજાર કિંમતના ૫૦ ટકા ભાવે ૩૧ હેક્ટર જમીનની ફાળવણી કરી છે. આ સાથે જ ગુજરાતમાં દેશની પહેલી રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવા માટેનો માર્ગ મોકળો થયો છે. આજે ગુજરાત સરકારની કેબિનેટમાં લેવામાં આવેલા નિર્ણય અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં વાઘોડિયા નજીક આવેલા પીપળીયા ગામ પાસે આ જમીનની ફાળવણી કરવામાં આવી છે.
આ યુનિવર્સિટી રેલવેના તમામ વિભાગોને લગતી તાલીમ આપવાના વર્ગો ચલાવશે અન ેતેને લગતા અભ્યાસક્રમો પણ બનાવશે. ભારતમાં જુદાં જુદાં વિસ્તારોમાં ચાલી રહેલી રેલવેની ફેક્ટરીઓ માટે જોઈતા મેનપાવરને આ યુનિવર્સિટીમાં તૈયાર કરવામાં આવશે. પરિણામે ગુજરાતના સ્થાનિકોને પણ તાલીમ મળશે અને તેમને માટે રોજગારીની નવી તક નિર્માણ થશે.
રેલવેમાં દર વર્ષે કર્મચારીઓની અને અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. તેને માટેનો મેનપાવર અહીંથી મળી રહેવાની સંભાવના છે. દેશની આ પહેલી રેલવે યુનિવર્સિટી હોવાનું જણાવતા તેમણે કહ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં પહેલી રેલવે યુનિવર્સિટીની સ્થાપના કરવાનો નિર્ધાર કર્યો હતો. તેમના નિર્ધારને પૂર્ણ કરવામાં ગુજરાત સરકારે તેની ભૂમિકા ભજવી છે. આ રેલવે યુનિવર્સિટીમાં હોસ્ટેલ પણ બનાવવામાં આવશે. રેલવેને લગતી તમામ બાબતોની તાલીમ અને શિક્ષણ આપવાનું કામ આ યુનિવર્સિટી કરશે.

