મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, કોઝવેમાં કાર તણાઈ, સ્થાનિકોએ 4 લોકોને રેસ્ક્યુ કર્યા

ગુજરાત મુખ્ય સમાચાર

કવાંટ, છોટાઉદેપુર, પાવી જેતપુર અને સંખેડા પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને પગલે છોટાઉદેપુર પંથક નદી-નાળાઓ છલકાઇ ગયા છે, ત્યારે નસવાડી નજીક આવેલા ગઢબોરીયાદ-કાધા લો લેવલ કોઝવે પર એક કાર 100 મીટર સુધી તણાઇ હતી. જોકે સ્થાનિક લોકોએ તણાઇ રહેલી કારમાંથી 4 લોકો બચાવી લીધા હતા.

કાર ચાલક ગભરાઇ ગયો
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ-કાધા લો લેવલ કોઝવે પરથી ડભોઇના શંકરપુરા પરિવાર સહિત 4 લોકો કારમાં પસાર થઇ રહ્યા હતા. આ સમયે કોઝવે પરથી ધસમસતુ પાણી વહી રહ્યું હતું. જોકે તેમ છતાં કારને કોઝવેમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જેથી કાર પાણીના પ્રવાહમાં તણાવા લાગી હતી. જેથી કારમાં બેઠેલા લોકોએ બૂમાબૂમ મચાવી દીધી હતી. આ સમયે ત્યાં હાજર સ્થાનિક લોકોએ ચારેય લોકોને કારમાંથી બહાર કાઢીને બચાવી લીધા હતા. કારચાલક તો એટલો ગભરાઇ ગયો હતો કે, તે કશું બોલી પણ શકતો નહોતો.

કોઝવેમાં તણાયેલી કાર ચેકડેમ પાસે અટકી
કોઝવેના ધસમસતા પાણીમાં કાર 100 મીટર સુધી તણાઇ હતી. અને ચેકડેમ પાસે જઇને કાર અટકી ગઇ હતી. જેથી કારમાં બેઠેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.