પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉક્ટર આરિફ અલ્વી જમ્મુ-કાશ્મીરના હાલાત પર ફેક વીડિયો ટ્વીટ કરીને ફસાઈ ગયા. ટ્વીટર તરફથી રાષ્ટ્રપતિને હવે નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ બાદ પાકિસ્તાનના મંત્રી કહી રહ્યા છે કે ટ્વિટર પણ હવે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એજન્ડાને આગળ વધારવામાં લાગ્યું છે. પાકિસ્તાનના મીડિયા તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. જણાવી દઈએ કે પાંચ ઓગસ્ટે જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનો ફેસલો લીધો, તે બાદ પણ ટ્વિટરે ફેક ટ્વીટ કરનારાઓ પર એક્શન લીધી હતી. પાકિસ્તાનની માનવાધિકાર મંત્રી શિરીન માજરીએ આ સમગ્ર મામલે પર ટ્વીટ કર્યું છે. માજરીએ લખ્યું કે, ‘ટ્વિટર ખરેખર મોદી સરકારનું મુખપત્ર બની ગયું છે. તેમણે અમારા રાષ્ટ્રપતિને નોટિસ મોકલી છે. આ બહુ ખરાબ બાબત છે.’ માજરીએ ટ્વિટર તરફથી મળેલ ઈમેલને પણ ટ્વીટ કર્યો હતો. 24 ઓગસ્ટે અલવીએ એક વીડિયો શેર કર્યો હતો જે વિદેશી મીડિયા તરફથી જાહેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અલવીએ શ્રીનગરમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શન ગણાવ્યું હતું. રવિવારે ઈમરાન સરકારમાં કોમ્યૂનિકેશન મંત્રી મુરાદ સઈદે પણ કહ્યું હતું કે તેમને પણ ટ્વિટર તરફથી એક નોટિસ મોકલવામાં આવી છે જેમાં ભારતીય કાનૂનોના ઉલ્લંઘનનો હવાલો આપવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં કેટલાય સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને બંધ કરી દેવામાં આવ્યાં છે જે કાશ્મીર સાથે જોડાયેલ ફેક ન્યૂજ શેર કરી રહ્યા હતા. ટ્વિટર તરફથી પાંચ ઓગસ્ટ બાદથી 200 પાકિસ્તાની અકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. પાકિસ્તાન સેનાના મીડિયા વિંગ આઈએસપીઆરના મેજર જનરલ આસિફ ગફૂર તરફથી કહેવામાં આવ્યું છે કે આ મામલાને ઑથૉરિટીએ ગંભીરતાથી લીધો છે અને આ સમગ્ર વિવાદ પાછળ ભારતનો હાથ છે.

