વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના આ બે સ્થળોએ આભ ફાટ્યું, 6 કલાકમાં 6 ઇંચ વરસાદ

ગુજરાત મુખ્ય સમાચાર

ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખૂબ ફાયદાકારક બની રહેશે. હવે ચોમાસાની પૂર્ણાહુતિ થવાના આરે છે ત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતને 4 દિવસ સારો વરસાદ મળશે અને 5 દિવસ બાદ પણ વધુ એક સિસ્ટમ બને તેવી શક્યતા છે.

બંગાળની ખાડીના વાયા ઓરિસ્સા અને ઝારખંડ ગુજરાત તરફ ફંટાયેલા લો પ્રેશરને પગલે આજે દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો હતો, અને ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો. આજે સુરતના ઉમરપાડામાં 52 મી.મી. લેખે બે ઈંચ વરસાદ નોંધાયો હતો, જયારે નવસારી અને જલાલપોરમાં અડધો ઈંચ લેખે 12 મી.મી. વરસાદ પડયો હતો.

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સવારે 6થી 10 સુધીમાં છોટાઉદેપુરના ક્વાંટ અને પાવીજેતપુરમાં 6 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતના 51 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 113 તાલુકાઓમાં 20 ઇંચથી 40 ઇંચ, 81 તાલુકાઓમાં 10થી 20 ઇંચ અને 6 તાલુકાઓમાં 5થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે સરેરાશ 90.92 ટકા સારો વરસાદ નોંધાયો છે. જૂન મહીનામાં 4 ઇંચ, જુલાઈ મહીનામાં 9 ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહીનામાં 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આવી રીતે સિઝનનો કુલ 30 ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.

ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટીને પાર કરી દીધી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળસપાટી ચિંતાજનક રીતે વધી રહી છે. હાલ ભારે વરસાદના કારણે નર્મદાની સપાટી 24 ફૂટને પાર પહોંચી છે. ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 24.50 ફૂટ છે. ઉપરવાસમાંથી નર્મદામાં પાણી છોડાતા સપાટી વધી રહી છે. નદીકાંઠાના 20 ગામમાં એલર્ટ જાહેર કરાયું છે.

સવારે 6થી 12 વાગ્યા સુધીનો વરસાદ
છોટાઉદેપુરના ક્વાંટમાં 6 ઇંચ, પંચમહાલના હાલોલમાં 6 ઇંચ, છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 6 ઇંચ, છોટાઉદેપુરમાં 5.5 ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 2 ઇંચ, આણંદમાં 2.8 ઇંચ, વડોદરામાં 2 ઇંચ વરસાદ નોધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 59 ઇંચ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં 59 ઇંચ, મધ્ય ગુજરાતમાં 28 ઇંચ, સૌરાષ્ટ્રમાં 21 ઇંચ, ઉત્તર ગુજરાતમાં 19 ઇંચ અને કચ્છમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે.