ભાજપના શ્રી રામના ઉચ્ચારોથી ભડકતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને તેમનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ જાણ્યે અજાણ્યે હવે ભાજપના રસ્તે ચાલી રહ્યો જણાય છે. ભાજપના શ્રી રામ સામે ટીએમસીએ હવે હર હર મહાદેવના સૂત્રને અપનાવ્યું હોય એવું લાગે છે.
હુગલી વિસ્તારમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે ગઇ કાલે એક નવું શિવાલય શરૂ થયું હતું જેમાં મંત્રોચ્ચાર સાથે ભગવાન શિવની પૂજા કરવામાં આવી હતી. રસપ્રદ વાત એ હતી કે આ પ્રસંગે કેટલાક મુસ્લિમો પણ પોતાના ધર્મની મુસ્લિમ કેપ પહેરીને હાજર રહ્યા હતા. મુસ્લિમોએ પણ હર હર મહાદેવનાં સૂત્રો પોકાર્યાં હતાં. સોમવારે આ મંદિરમાં શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
ટીએમસીના આ પગલાથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમી આવી ગઇ હતી. નજીકના ભવિષ્યમાં અહીં રાજ્ય વિધાનસભાની ચૂંટણી થવાની છે. ફરી એકવાર ભાજપ અને ટીએમસી સામસામે થઇ જશે. જોવાનું એ છે કે કેટલો લાંબો સમય મુસ્લિમો હર હર મહાદેવના સૂત્રો પોકારે છે અને કદાચ મમતાને રાજી રાખવા આવાં સૂત્રો પોકારતાં હોય તો ચૂંટણી વખતે તેમનો ઝોક કઇ તરફનો રહેશે એ પણ જોવાનું રસપ્રદ થઇ પડશે.