ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે આસામની મુલાકાત દરમ્યાન કહ્યું હતું કે સુરક્ષા જવાનોના બલિદાન વ્યર્થ નહીં જાય. સુરક્ષાના મુદ્દે કોઈ બાંધછોડ કરાશે નહીં. એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સમર્થક આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષાસે નહીં. પાકિસ્તાનના કાયરતાભર્યા હુમલાનો બદલો લેવાશે. કેન્દ્રમાં કૉંગ્રેસ નહીં પણ મોદી સરકાર છે. કૉંગ્રેસ અને આસામ ગણ પરિષદને આડે હાથ લેતા તેમણે કહ્યું હતું કે બંને પક્ષ ઘણા વર્ષ સત્તામાં રહ્યા છતાં આસામ કરારને અમલી બનાવી શક્યા નહીં. આસામને બીજું કાશ્મીર બનવા દેવાશે નહીં તેથી અમે એનઆરસી લાવ્યા છીએ જેની મદદથી તમામ ઘૂસણખોરોને હટાવી શકાશે. આસામની જનતા શાંતિ અને વિકાસ ઇચ્છે છે. ઇશાન રાજ્યો માટે મોદી સરકારે અનેક પગલાં લીધા છે. આસામ કરારના ક્લોઝ-૬ના અમલીકરણ માટે કેન્દ્ર સરકારે ઉચ્ચસ્તરની કમિટી સ્થાપી છે.

