કાશ્મીરના પુલવામામાં ગયા સપ્તાહે થયેલા આતંકવાદીઓના હુમલા બાદ સીઆરપીએફના ૪૪ જવાન શહીદ થયા હતા ત્યારબાદ સરકાર એક પછી એક કડક પગલાં લઈ રહી છે. રવિવારે કેન્દ્ર સરકારે વધુ એક નિર્ણય લઈને જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી હુર્રિયત નેતાની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે. આ મોટો નિર્ણય દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચ સ્તરની બેઠકમાં લેવાયો હતો. મીરવાઈસ ઉમર ફારુક શેખ, અબ્દુલ ગની બટ, બિલાલ લોન, હાશીમ કુરેશી અને શબ્બીર શાહની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ છે. જોકે, આ આદેશમાં પાક સમર્થક અલગતાવાદી સૈયદ અલીશાહ ગિલાની તથા જેકેએલએફના યાસીન મલિકનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. સુરક્ષા ઉપરાંત સરકારી વાહન અને અન્ય સવલત પણ પાછી ખેંચાઈ છે. એક અંદાજ પ્રમાણે લગભગ ૫૦ અલગતાવાદી નેતા છે, જેમને રાજય સરકારે સુરક્ષા આપેલી છે.

