કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથસિંહે રવિવારે પાકિસ્તાનની ટીકા કરતા તેના પર જમ્મુ અને કાશ્મીરના પુલવામા ખાતે આતંકવાદી હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો. આ આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનોના મૃત્યુ થયા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે આતંકવાદનો સફાયો કરવા માટે ચલાવેલા સફળ અભિયાનોને કારણે ભુરાટા થયેલા આતંકવાદીઓ પર તેમણે આરોપ મૂક્તા જણાવ્યું હતું કે પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદને ટેકો આપે છે. પાછલાં પાંચ વર્ષમાં સુરક્ષાદળો દ્વારા કરવામાં આવેલા આતંકવાદ સામેના સફળ ઓપરેશન્સને કારણે નિરાશ અને હતાશ થયેલા આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાનું નાપાક કામ પાકિસ્તાન કરી રહ્યું છે, એમ ઉત્તર ઓરિસ્સામાં જાહેર સભાને સંબોધતા રાજનાથસિંહે જણાવ્યું હતું. સુરક્ષાદળોને પુલવામાના આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે, એમ જણાવતાં રાજનાથસિંહે ઉમેર્યું હતું કે સીઆરપીએફના જવાનોની કુરબાની એળે નહીં જાય.

