ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલે સીનિયર નેશનલ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પોતાની સીનિયોરીટીનું પ્રમાણ આપતાં પી.વી. સિંધુને સીધી ગેમ્સમાં ૨૧-૧૮ ૨૧-૧૫ હરાવીને વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીતી લીધું હતુ. સાયનાએ આ સતત બીજા વર્ષે નેશનલ ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. જ્યારે મેન્સ સિંગલ્સમાં સૌરભ વર્માએ ત્રીજી વખત નેશનલ ચેમ્પિયન તરીકેનો ખિતાબ હાંસલ કર્યો હતો.
મધ્ય પ્રદેશના ધારના વતની એવા સૌરભ વર્માએ એશિયન જુનિયર ચેમ્પિયન લક્ષ્ય સેન સામેના મુકાબલામાં ૨૧-૧૮, ૨૧-૧૩થી વિજય પ્રાપ્ત કર્યો હતો.
વિમેન્સમાં ટોચની બે સુપરસ્ટાર્સ વચ્ચેના મુકાબલામાં ભારે રસપ્રદ જંગની આશા રાખવામાં આવતી હતી. જોકે સાયનાએ સીધી ગેમ્સમાં મેળવેલી જીત સાથે ઓવરઓલ ચોથી વખત નેશનલ ચેમ્પિયનશીપ મેળવી હતી. સાયના અને સૌરભને નેશનલ ચેમ્પિયનશીપ જીતવા બદલ રૃપિયા સવા ત્રણ લાખના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે સિંધુ અને સેનને ૧.૭૦ લાખનો ચેક આપવામાં આવ્યો હતો. સાયનાએ આ જીત સાથે સિંધુ પરનો દબદબો જારી રાખ્યો હતો. નાગપુરમાં ૨૦૧૨માં રમાયેલી નેશનલ ચેમ્પિયનશીપની ફાઈનલની જેમ સાયનાએ સિંધુને હરાવીને ટાઈટલ મેળવ્યું હતુ. સાયનાએ ૨૦૧૮ના ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલમાં સિંધુને હરાવીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

