ભારતીય વિકેટકિપર-બેટ્સમેન રિષભ પંત ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાનદાર દેખાવ કરતાં વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી હતી. હવે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં તેને તક મલી છે, ત્યારે તે વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પંતે જણાવ્યું કે, નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ભૂતપૂર્વ વિકેટકિપર બેટ્સમેન કિરણ મોરેએ આપેલા માર્ગદર્શનને કારણે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સારો દેખાવ કરી શક્યો.
પંતે ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ ટેસ્ટમાં ૧૧ શિકાર કરીને વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી હતી. તેણે આખરી સિઝનમાં કુલ ૨૦ કેચ ઝડપ્યા હતા. પંતે કહ્યું કે, ઈંગ્લેન્ડનો અનુભવ અલગ રહ્યો. જોકે નેશનલ ક્રિકેટ એકેડમીમાં કિરણ મોરે સરના માર્ગદર્શનને કારણે મને ઘણો ફાયદો થયો. તેમણે મારા હાથની પોઝિશન તેમ બોડીના મુવમેન્ટ અંગે ખાસ ટેકનિક શીખવી હતી. યુવા વિકેટકિપર કમ બેટ્સમેને કહ્યું કે, મને ટોપ ઓર્ડરમાં બેટીંગ કરવી ગમશે. જોકે દરેક વખતે તે શક્ય હોતુ નથી. ટીમ કોમ્બિનેશન અને ટીમની જરુરિયાતને પણ ધ્યાનમાં રાખીને તેને પ્રાથમિકતા આપવી જરુરી છે. તેણે સોશિયલ મીડિયા અંગે કહ્યું કે, એક વખત જાણીતા બન્યા બાદ સોશિયલ મીડિયામાં કોમેન્ટ્સ કરતાં ખુબ જ સંભાળવું પડે છે. ઘણા બધા લોકો તમારા વખાણ કરે છે જોકે તે બાબત પણ યાદ રાખવી જોઈએ કે તમારે નકારાત્મકતાને સ્વીકારવી પડે.

