બીજી વનડે : બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને રોમાંચક મેચમાં ચાર રનથી હરાવ્યું

ખેલ-જગત

બાંગ્લાદેશના ઓપનર બેટ્સમેન તામિમ ઇકબાલે પોતાની વનડે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમતા ૧૫૮ રન બનાવ્યા હતા. તામિમ ઇકબાલની આ સદીના આધારે બાંગ્લાદેશની ટીમ ૩૨૨ રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી છે. ઝિમ્બાબ્વેની ટીમે પણ આક્રમક ઇનિંગ દેખાડી પરંતુ અંતિમ ઓવરમાં જઈને ૪ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તામિમ ઇકબાલે આ મેચમાં ૧૩૨ બોલમાં ૧૫૮ રન બનાવ્યા, જેમાં ૨૦ ચોગ્ગા અને ૩ સિક્સર સામેલ હતી. આ અગાઉ તેમને ઝિમ્બાબ્વે સામે ૨૦૦૯ માં ૧૫૪ રન બનાવી રેકોર્ડ બનાવ્યો હતો. તામિમ ઇકબાલ ૮૪ રન બનાવતા જ પોતાની વનડે કારકિર્દીમાં ૭૦૦૦ રન પુરા કરનાર પ્રથમ બાંગ્લાદેશી બેટ્સમેન બની ગયા છે. તેમને ૧૦૬ બોલમાં પોતાની ૧૨ મી વનડે સીરીઝ પૂરી કરી જે તેમની જુલાઈ ૨૦૧૮ બાદ પ્રથમ સદી છે. ઝિમ્બાબ્વેને અંતિમ ઓવરમાં ૨૦ રનની જરૂરત હતી. ટીરીપાનો (૨૮ બોલમાં અણનમ ૫૫ રન) એ અલ અમીન હુસૈનની બોલિંગ પર બે સિક્સર ફટકારી મેચ રોમાંચક સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. ઝિમ્બાબ્વેને અંતિમ બે બોલમાં ૬ રનની જરૂરત હતી પરંતુ ટિરીપાનો એક રન જ બનાવી શક્યા અને ઝિમ્બાબ્વેની ટીમ ૮ વિકેટે ૩૧૮ રન સુધી પહોંચી શકી હતી. બાંગ્લાદેશે આવી રીતે ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ થી અજેય લીડ પ્રાપ્ત કરી લીધી છે.