ગુજરાતીઓને ઉનાળો ભારે પરેશાન કરશે, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત

હવામાન વિભાગે ગુજરાત માટે માઠા સમાચાર આપ્યા છે. ગુજરાતમાં આ વખતે ઉનાળો વધુ ગરમ રહેશે તેવી હવામાન ખાતાની સ્થાનિક કચેરીએ આગાહી કરી છે. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં રાજ્યમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. રાજ્યમાં હાલ દિવસે ગરમી અને રાત્રીના સમયે લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

હવામાન વિભાગે આ વખતે ગરમી સામાન્ય કરતાં વધુ રહેવાની આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ ઉત્તર- પશ્ચિમ, પશ્ચિમ-મધ્ય ભારતમાં પણ આ વખતે ગરમી અડધાથી વધુ ડીગ્રી વધારે રહેશે.

આજે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ગયા વર્ષે 29 માર્ચ 2019નો દિવસ માર્ચ મહિનાનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ગયા વર્ષે સરેરાશ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ રહ્યું હતું. હવામાન ખાતાની આગાહી મુજબ આ વર્ષે તેનાથી પણ વધુ ગરમી પડવાની આશંકા છે.