ભારતે પ્રથમ ટી-20માં 4 વિકેટે જીત મેળવી, વિન્ડીઝ સામે સતત ચોથી મેચ જીત્યા

ખેલ-જગત મુખ્ય સમાચાર

ભારતે ત્રણ મેચની ટી-20 સિરીઝની પ્રથમ મેચમાં ફ્લોરિડા ખાતે વેસ્ટ ઇન્ડિઝને 4 વિકેટે હરાવ્યું હતું. તે સાથે જ 1-0ની લીડ પણ મેળવી લીધી છે. ભારત વિન્ડીઝ સામે છેલ્લે 2017માં કિંગ્સ્ટનમાં હાર્યું હતું. 96 રનનો પીછો કરતા ભારતે 17.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ભારત માટે કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. રોહિત શર્માએ સર્વાધિક 24 રન કર્યા હતા, જયારે વિરાટ કોહલી અને મનીષ પાંડેએ 19 રન કર્યા હતા. વિકેટ પર બોલ અટકીને આવતો હોવાથી ભારતના બેટ્સમેન નિયમિત અંતરે આઉટ થતા રહ્યા હતા

વેસ્ટ ઇન્ડિઝ માટે સુનિલ નારાયણ, કીમો પોલ અને શેલ્ડન કોતરેલે 2-2 વિકેટ લીધી હતી. ભારત માટે ચોથા નંબરે કોણ બેટિંગ કરશે તે સવાલ હજી પણ ઉભો છે. ઋષભ પંત ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો અને ગોલ્ડન ડક સાથે પેવેલિયન ભેગો થયો હતો. તે સિવાય ઓપનર શિખર ધવન પણ કમબેક મેચમાં 1 રન કરીને આઉટ થયો હતો. સિરીઝની બીજી મેચ આવતીકાલે આ ગ્રાઉન્ડ ઉપર જ રમાશે.

વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ દાવમાં 95 રન કર્યા

વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવી 95 રન કર્યા હતા. ભારતના તમામ બોલર્સે શાનદાર બોલિંગ કરતા વિન્ડીઝ અપેક્ષા અનુસાર મોટો સ્કોર કરી શક્યું ન હતું. તેમના માટે કાયરન પોલાર્ડે સર્વાધિક 49 રન કર્યા હતા. ભારત માટે ડેબ્યુ પર નવદીપ સૈનીએ શાનદાર દેખાવ કરતા 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી હતી. તે ઇનિંગ્સની 20મી ઓવર મેડન નાખનાર ચોથો બોલર બન્યો હતો. ભુવનેશ્વર કુમારે 2 વિકેટ, જ્યારે વોશિંગ્ટન સુંદર, ખલીલ અહેમદ, રવિન્દ્ર જાડેજા અને કૃણાલ પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી. વિન્ડીઝે સતત ત્રીજી ટી-20માં 100થી ઓછા રન કર્યા છે.

વિન્ડીઝનો ભારત સામે આ ટી-20માં સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા 2018માં કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે તેમણે 109 રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝની બેટિંગ એટલી ખરાબ રહી હતી કે પોલાર્ડ અને નિકોલસ પૂરન સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટમાં સ્કોર કરી શક્યું ન હતું. પૂરને 20 રન કર્યા હતા. ભારતે મિડલ ઓવરમાં ટાઈટ બોલિંગ કરી હતી. ભારત માટે જાડેજા, કૃણાલ અને સૈનીએ 1-1 ઓવર મેડન નાખી હતી.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ટી-20માં 11 વાર એકબીજા સામે ટકરાયા છે. ભારત અને વિન્ડીઝ બંને 5-5 મેચ જીત્યા છે, જયારે 1 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. 2016માં ફ્લોરિડા ખાતેની 2 મેચની સિરીઝ ભારત 0-1થી હાર્યું હતું. પ્રથમ મેચમાં એવીંન લુઈસની સદીથી વિન્ડીઝે 246 રન કર્યા હતા. જવાબમાં લોકેશ રાહુલની સદી છતાં ટીમ 1 રને હારી હતી. બીજી મેચમાં પરિણામ આવ્યું ન હતું.