INX મીડિયા કેસ : પી ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી 2 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ કસ્ટીને કોર્ટે 2 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. સીબીઆઈએ રાઉઝ એવન્યૂ કોર્ટમાં ચિદમ્બરમની કસ્ટડીને પાંચ દિવસ લંબાવવા માંગ કરી હતી. વિશેષ જજ અજય કુમાર કુહારે ચિદમ્બરમની 2 સપ્ટેમ્બર સુધી કસ્ટડી લંબાવવા સીબીઆઈને મંજૂરી આપી હતી.

એજન્સીએ કોર્ટને જણાવ્યું કે પૂર્વ નાણાં મંત્રી પૂછપરછમાં સહગયોગ નથી આપી રહ્યા અને ગોળગોળ જવાબ આપી રહ્યા છે. બીજા આરોપીઓ સાથે તેમની સામ-સામે પૂછપરછ કરવાની જરૂર છે. દરમિયાન ચિદમ્બરના વકીલે દલીલ આપતા જણાવ્યું કે સીબીઆઈએ અત્યાર સુધીમાં ચિદમ્બરમને 400 જેટલા પ્રશ્નો પૂછ્યા છે. કોર્ટે સીબીઆઈને સવાલ કર્યો કે, તમે દરરોજ પાંચ દિવસની કસ્ટડી શા માટે માંગો છો. એક સાથે 15 દિવસની કસ્ટડી શા માટે નથી માંગતા.

આજરોજ પી ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી પૂર્ણ થવાની હતી. અગાઉ 26 ઓગસ્ટના સીબીઆઈએ વિશેષ કોર્ટમાં ચાર દિવસના રિમાન્ડ માંગ્યા હતા જે મંજૂર થયા હતા. ગુરુવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ એ એસ બોપન્નાએ જણાવ્યું હતું કે આઈએનએક્સ મીડિયા કેસમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી પર તેઓ 2 સપ્ટેમ્બરના સુનાવણી કરશે. ત્યારબાદ પી ચિદમ્બરમના વકીલોએ જણાવ્યું હતું કે તેઓ 2 સપ્ટેમ્બર સુધી સીબીઆઈ કસ્ટડીમાં રહેવાની રજૂઆત કરે છે.