કોંગ્રેસના વરીષ્ઠ નેતા દિગ્વિજયસિંહે દાવો કર્યો હતો કે ભાજપ અને બજરંગદળ બન્ને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ પાસેથી પૈસા લે છે. આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ દિગ્વિજયસિંહ પર પણ આરોપો લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે દિગ્વિજયસિંહ આવા નિવેદનો કરીને પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યા છે.
રવિવારે દિગ્વિજયસિંહે કહ્યું હતું કે મારા નિવેદનને કેટલીક ચેનલો બહુ જ ખોટી રીતે ટેલિકાસ્ટ કરી રહી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે કેટલીક ચેનલો કરી રહી છે કે મે કહ્યું હતું કે બજરંગદળ અને ભાજપ પાકિસ્તાનની આઇએસઆઇ પાસેની પૈસા લઇ રહી છે, જોકે મે આવુ કહ્યું જ નહોતુ અને મારા નીવેદનને ખોટી રીતે રજુ કરાયું છે.
આ પહેલા શનિવારે દિગ્વિજયસિંહે કહ્યું હતું કે બજરંગ દળ અને ભાજપ આઇએસઆઇ પાસેથી પૈસા લે છે અને બિન મુસ્લિમો પાક. માટે મુસ્લિમો કરતા વધુ જાસુસી કરી રહ્યા છે. દિગ્વિજયે સાથે કહ્યું હતું કે થોડા દિવસ પહેલા જ મધ્ય પ્રદેશ પોલીસે પાકિસ્તાનની આઇએસઆઇ માટે જાસુસી કરવા બદલ ભાજપના આઇટી સેલ તેમજ અને બજરંગદળ સાથે સંકળાયેલા કેટલાકની ધરપકડ કરી હતી, મે આ આરોપો લગાવ્યા હતા અને હું મારા નિવેદન પર અડગ છું, કોઇ ચેનલ મારા આ નિવેદનને કેમ નથી દેખાડી રહી.
દિગ્વિજયના નિવેદનને ટાંકીને શિવરાજસિંહે કહ્યું હતું કે કોંગ્રેસના નેતા તેમની વિશ્વસનીયતા ગુમાવી ચુક્યા છે. ભાજપને કોઇની પણ પાસેથી દેશભક્તિનું સર્ટિફિકેટ નથી જોઇતું. જે આઇએસઆઇ કહે છે તે જ ભાષા દિગ્વિજયની છે. તેઓ અગાઉ ઓસામાને ઓસામાજી પણ કહી ચુક્યા છે.
હાલમાં જ મધ્ય પ્રદેશ સરકારે કેટલાક શંકાસ્પદોની ધરપકડ કરી હતી અને તેઓ પાક.ને ગુપ્ત માહિતી પુરી પાડી રહ્યાનો તેમના પર આરોપ હતો. કોંગ્રેસના દાવા મુજબ એક બજરંગદળ સાથે જોડાયેલો હતો અને આ જ પ્રકારનું રેકેટ તે ભાજપમાં હતો ત્યારે પણ ચલાવતો હતો.