એક સમયે અંધકા નામના દાનવ પાર્વતી દેવીને તેમનાં પત્ની બનાવવા ચાહતા હતા.
જ્યારે દાનવે પાર્વતીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પાર્વતીએ મદદ માટે તેમના પતિ શિવને આહ્વાન કર્યું.
પાર્વતીનો પોકાર સાંભળીને શિવે તત્કાળ જ તેમનું ત્રિશૂળ ઉઠાવ્યું અને અંધકાનો વધ કર્યો.
અંધકા જાદુઈ શક્તિ ધરાવતો અસુર હતો. તેની પાસે એવી શક્તિ હતી કે તેના શરીરમાંથી જેટલાં લોહીનાં ટીપાં પડે તેટલાં વધુ અંધકા પેદા થાય.
આથી અંધકાનો વધ કરવાનો એક જ રસ્તો હતો. જ્યારે શિવ તેને ત્રિશૂળ મારે ત્યારે લોહીનું એક પણ ટીપું જમીન પર ન પડે.
પાર્વતી જાણતાં હતાં કે દરેક દૈવી શક્તિ પુરુષ અને મહિલા સ્વરૂપે હોય છે.
પુરુષ સ્વરૂપ એ માનસિક શક્તિ તથા મહિલા સ્વરૂપ એ ભૌતિક સંસાધનની દ્યોતક છે.
આથી પાર્વતીએ તમામ દેવતાઓની શક્તિઓને આહ્વાન કર્યું. આથી, તમામ દેવતાઓએ તેમનાં મહિલા સ્વરૂપને મોકલ્યાં, જેથી કરીને તેઓ જમીન પર પડે તે પહેલાં જ અંધકાનું લોહી પી શકે.
ત્યારબાદ યુદ્ધભૂમિ ઉપર તમામ પ્રકારના દેવતાઓનાં મહિલા સ્વરૂપ દેખાવાં લાગ્યાં.
ઇંદ્રની શક્તિ ઇંદ્રાણી, વિષ્ણુની શક્તિ વૈષ્ણવી અને બ્રહ્માની શક્તિ બ્રહ્માણી સ્વરૂપે રણ મેદાનમાં પહોંચી અને અંધકાનું લોહી પી લીધું. આ રીતે અંધકાનો સંહાર થયો.
મતસ્ય પુરાણ, વિષ્ણુ ધર્મોત્તર પુરાણ તથા વન-દુર્ગા ઉપનિષદમાં ગણપતિના મહિલા સ્વરૂપનો ઉલ્લેખ જોવા મળે છે.
ગણપતિની શક્તિ સ્વરૂપે તસવીરો 16મી સદીના શરૂઆતના ભાગમાં જોવા મળવા લાગી.
કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે, આ તસવીરો પાર્વતીનાં સખી માલિનીની હોય તેવી શક્યતા છે. એમનું મુખ પણ હાથી જેવું હતું.
પુરાણોમાં માલિનીનો ઉલ્લેખ ગણપતિની સંભાળ રાખનારાં મહિલા સ્વરૂપે જોવા મળે છે.