પાકિસ્તાની પ્રદર્શનકારીઓએ ફરી એકવખત લંડનમાં કાયરતાપૂર્ણ હરકત કરી અને ભારતીય હાઇકમિશનને નિશાન બનાવ્યું. પ્રદર્શનકારીઓએ ભારતીય હાઇકમિશનની બિલ્ડિંગ પર ઇંડા, ટામેટા, જૂતા પથ્થર, સ્મોક બોમ્બ અને બોટલો ફેંકી જેમાં બિલ્ડિંગની કેટલીય બારીઓને નુકસાન પહોંચ્યું છે. ભારતીય હાઇકમિશને બિલ્ડિંગ પરિસરમાં થયેલા નુકસાનની તસવીર ટ્વીટ કરી છે.
આખા ઇંગ્લેન્ડમાંથી અંદાજે 10000 બ્રિટિશ પાકિસ્તાનીઓનું ઝૂંડ લંડન પહોંચ્યું અને ભારતીય હાઇકમિશનની બિલ્ડિંગની બારીઓને તોડવા માટે આગળ વધ્યા. સપ્તાહમાં બીજી વખત લંડનના રસ્તામાં અશાંતિ ફેલાઇ. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકોએ જવાબી વિરોધ પ્રદર્શન કર્યું નથી. પાકિસ્તાની ઉપદ્રવીઓએ પોતાના આ વિરોધ પ્રદર્શનને ‘કાશ્મીર ફ્રીડમ માર્ચ’નું નામ આપ્યું હતું. આ માર્ચ પાર્લ્યામેન્ટ સ્કવેયરથી શરૂ થયું અને ભારતીય હાઇકમિશનની બિલ્ડિંગ સુધી પહોંચ્યું. માર્ચનું નેતૃત્વ યુકેની લેબર પાર્ટીના કેટલાંક સાંસદોએ કર્યું. પ્રદર્શનકારીઓના હાથમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના ઝંડા અને પ્લેકાર્ડ હતા.
પ્રદર્શનકારીઓમાં મુખ્યત્વે બ્રિટિશ પાકિસ્તાની અને પીઓકે મૂળના બ્રિટિશ નાગરિક પણ હતા. તેમનું કહેવું હતું કે તેઓ કાશ્મીરમાં લૉકડાઉનનું વિરોધ પ્રદર્શન કરવા માટે ભેગા થયા છે. આપને જણાવી દઇએ કે કલમ 370ને કાશ્મીરમાંથી હટાવ્યા બાદથી ત્યાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા પ્રતિબંધ મૂકી દીધો છે.
પાકિસ્તાની મૂળના લંડનના મેયર સાદિક ખાને આ ઘટનાની ટીકા કરી છે. ખાને એક ટ્વીટ કરીને કહ્યું કે હું સંપૂર્ણપણે આ અસ્વીકાર્ય વ્યવહારની નિંદા કરું છું.
ઉલ્લેખનીય છે કે એક મહિનામાં આ બીજી વખત એવું બન્યું છે જ્યારે પાકિસ્તાની પ્રદર્શનકારીઓ લંડન સ્થિત ભારતીય હાઇકમિશનને નિશાન બનાવ્યું છે. આની પહેલાં આ લોકોએ 15મી ઑગસ્ટના અવસર પર પ્રદર્શન કર્યું હતું. એ સમયે તેમના હાથમાં ખાલિસ્તાની અને કાશ્મીરી ઝંડા હતા. ત્યાં હાઇકમિશનની સામે ભારતીય મૂળના નાગરિક શાંતિપૂર્વક સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા હતા જેમને પ્રદર્શનકારીઓએ નિશાન બનાવ્યા હતા. ઉપદ્રવીઓ અને ગુંડાઓની એ ભીડમાં મુખ્યત્વે બ્રિટિશ પાકિસ્તાની, પીઓકેના બ્રિટિશ નાગરિક અને ખાલીસ્તાન સમર્થક શિખ સામેલ હતા.
આ લોકોએ સ્વતંત્રતા દિવસ મનાવા માટે એકત્ર થયેલા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકો પર ઇંડા, બોટલ, જૂતા અને અન્ય વસ્તુઓ ફેંકી હતી. ઉપદ્રવીઓએ હુમલાથી બચવા માટે મહિલા અને બાળકો સહિત કેટલાંય લોકોને બિલ્ડિંગમાં શરણ લેવું પડ્યું હતું. બાદમાં દંગા વિરોધી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તેમણે સુરક્ષા પૂરી પાડી હતી.

