અમદાવાદ / ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડની આગોતરા જામીન મામલે આજે સુનાવણી

ગુજરાત

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડની આગોતરા જામીનની આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનને લઇને સુનાવણી હાથ ધરવામાં આવશે. બોટાદના ભીખાભાઇએ પેથાપુરમાં ધનજી ઓડ સામે ફરિયાદ કરી હતી.

ભીખાભાઈના દીકરાનું મોત થતાં ધનજી ઓડ સામે ફરિયાદ કરી હતી. ધનજી ઓડે ભીખાભાઈના દીકરાની કેન્સરની દવા બંધ કરાવતાં તેનું મોત થયુ હતુ. પોલીસની અરજી સામે ધનજી ઓડે આગોતરા જામીન માટે અરજી કરી છે.

ઢબૂડી માં ઉર્ફે ધનજી ઓડે હાલ ફરાર છે અને આજે કોર્ટમાં આગોતરા જામીન પર સુનાવણી હાથ ધરવામાં આવવાની છે. જો કે તે પૂર્વે ગઇકાલે ધનજી ઓડે એક વીડિયો જાહેર કર્યો હતો અને ભક્તોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. ધનજી ઓડે વીડિયો જાહેર કરીને કેટલાક ખુલાસા કર્યા હતા.

જેમાં બે વ્યક્તિનો પણ ઉલ્લેખ કર્યો છે. આ બન્ને વ્યક્તિએ તેના પર ખોટા આરોપ લગાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં ધનજી ઓડ પોલીસથી બચવા માટે ફરાર થઈ ગયો છે. જોકે વીડિયોમાં કહેતા નજરે પડી રહ્યો હતો કે તે કોઈ ફરાર થયો નથી. આ સાથે જ જે લોકોએ તેના અંગે મીડિયાને જાણ કરી છે તેવા લોકોને ભગવાન સજા આપશે તેવા શબ્દો પણ વીડિયોમાં ઉચ્ચાર્યા હતા.

આમ ઢબૂડી માં ઉર્ફે ધનજી ઓડે સોશિયલ મીડીયામાં વીડિયો વાયરલ કર્યો હતો. જો કે ધનજી ઓડ દ્વારા વીડિયો શેર કરી તેમના પર લાગવામાં આવેલા આરોપોને લઇને સોશિયલ મીડિયામાં વીડિયો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો.