કાશ્મીર સરહદે ભારે સુરક્ષા હોવાથી આતંકીઓ સમુદ્રી માર્ગેથી ઘૂસણખોરીની ફિરાકમાં : લેફ. જન. એસ.કે. સૈની
એલઓસી પર પાક.ની બેટ ટીમનો આતંકીઓને ઘૂસાડવાનો નિષ્ફળ પ્રયાસ, પાંચને સૈન્યે ઠાર માર્યા
આંધ્ર પ્રદેશના 1000 કિમી લાંબા સમુદ્રી કિનારા પર કોસ્ટગાર્ડ અને વિશેષ સૈન્ય દળ તૈનાત કરાયું, કેરળમાં પણ હાઇ એલર્ટ
ગુપ્તચર એજન્સીઓને રિપોર્ટ મળ્યા છે કે પાકિસ્તાન દ્વારા દેશમાં મોટા હુમલા કરવામાં આવી શકે છે. ખાસ કરીને દેશના દક્ષિણ ભાગમાં કોઇ મોટા હુમલાની તૈયારી આતંકીઓએ કરી લીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ શક્યતાઓ સૈન્યના લેફ્ટ. જનરલ એસ.કે. સૈની દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
સૈનીએ જણાવ્યું હતું કે દક્ષિણ ભારતના મોટા સૃથળો આતંકીઓના નિશાના પર છે જેને પગલે આ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આતંકીઓ દક્ષિણ ભારતમાં આવેલા પ્રખ્યાત મંદિરોને પણ નિશાન બનાવી શકે છે કેમ કે એવા મંદિરો પણ આવેલા છે કે જ્યા મોટી સંખ્યામાં લોકો દરરોજ દર્શન માટે એકઠા થતા હોય છે.
તેથી આવા મંદિરોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ગુજરાતની સરહદે આવેલા સિર ક્રિકમાં પણ કેટલીક શંકાસ્પદ ઘટના સામે આવી છે. જેને પગલે આ વિસ્તારમાં પણ કોસ્ટગાર્ડ અને બીએસએફને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
દરમિયાન કેરળ રાજ્ય આતંકીઓના નિશાના પર હોવાના ઇનપૂટ મળ્યા છે જેને પગલે કેરળના દરેક જિલ્લામાં રાજ્યના પોલીસ વડા લોકનાથ બેહેરા દ્વારા હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખાસ કરીને બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ અને એવા સૃથળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય ત્યાં સૌથી વધુ સુરક્ષા પર ધ્યાન આપવાના આદેશ અપાયા છે.
કેરળ હાલ હાઇએલર્ટ પર છે જ્યારે અન્ય રાજ્યો જેમ કે તામિલનાડુમાં પણ પોલીસને સતર્ક રહેવાની સુચના અપાઇ છે. પોલીસે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં કેટલાક તહેવારો પણ આવી રહ્યા છે જેને પગલે જાહેર સૃથળો કે જ્યાં લોકો વધુ સંખ્યામાં એકઠા થાય ત્યાં સુરક્ષા વધારી દેવાઇ છે.
ચેન્નાઇના સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુજરાત સહીતના ઉત્તર અને પશ્ચિમના ભાગોમાં પણ આતંકીઓ હુમલા કરી શકે છે. આ અિધકારીએ એવી સ્પષ્ટતા કરી હતી કે દક્ષિણ એટલે માત્ર તામિલનાડુ, કેરળ, આંધ્ર અને કર્ણાટક જ નહીં પણ તેમાં ગુજરાતના પણ કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. આંધ્ર પ્રદેશ અને અન્ય સમુદ્રી વિસ્તારોમાં આવેલા રાજ્યોને વધુ સતર્ક કરાયા છે.
આતંકીઓ શ્રીલંકા કે બાંગ્લાદેશથી પણ ઘુસણખોરી કરી શકે છે. એવા અહેવાલો છે કે સમુદ્રી માર્ગેથી જૈશ-એ-મોહમ્મદના 50 જેટલા આતંકીઓ ઘુસણખોરીની ફિરાકમાં છે. આ આતંકીઓને મુંબઇ હુમલા જેવા જ હુમલા કરવાની તાલિમ અપાઇ છે. તેથી સમુદ્રી માર્ગનો ઉપયોગ કરીને તે મુંબઇ, ગુજરાતના કેટલાક વિસ્તારો, દક્ષિણ ભારતના રાજ્યોમાં ઘુસી શકે છે.
કાશ્મીરમાં હાલ આતંકીઓ ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ ભારતીય સૈન્ય વધુ સતર્ક હોવાથી એક પણ આતંકી સફળ નથી થઇ રહ્યો, સૈન્ય દ્વારા એક વીડિયો જારી કરવામાં આવ્યો છે જેમાં આવા જ કેટલાક આતંકીઓને ઘુસણખોરી દરમિયાન ઠાર મારવામાં આવ્યા છે. પાકિસ્તાની બેટ ટીમ આતંકીઓને ઘુસાડવાના પ્રયાસો કરી રહી હતી પણ તેને રોકવામા ભારતીય સૈન્ય સફળ રહ્યું છે. આ દરમિયાન આશરે ચારથી પાંચ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.

