નડાલ યુએસ ઓપનમાં ચેમ્પિયન કારકિર્દીનું 19મું ગ્રાન્ડસ્લેમ જીત્યું

ખેલ-જગત

સ્પેનના સુપરસ્ટાર ટેનિસ પ્લેયર રફેલ નડાલ વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપનમાં ચેમ્પિયન બન્યો છે. નડાલે અત્યંત રોમાંચક ફાઇનલમાં રશિયાના ડેનિયલ મેડ્વેડેવને 7-5, 6-3, 5-7, 4-6, 6-4થી પરાજય આપ્યો હતો.

નડાલની કારકિર્દીનું આ 19મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. આમ, મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાના રોજર ફેડરરના વિક્રમની બરાબરી કરવાથી નડાલ હવે માત્ર એક ટાઇટલ દૂર છે.

મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવામાં 38 વર્ષીય રોજર ફેડરર ટોચના, રફેલ નડાલ બીજા જ્યારે નોવાક યોકોવિચ ત્રીજા સૃથાને છે. રવિવારે રમાયેલી મેન્સ સિંગલ્સની ફાઇનલ અત્યંત રોમાંચક બની રહી હતી. જેમાં નડાલે પ્રથમ સેટ 7-5થી જ્યારે બીજો સેટ 6-3થી ખાસ કોઇ સંઘર્ષ વિના જીતી લીધો હતો.

જેના કારણે આ ફાઇનલ એકતરફી બની રહેશે તેમ જણાતું હતું. પરંતુ મેડ્વેડેવની ગણના શા માટે વર્તમાન સમયના શ્રેષ્ઠ યુવા પ્લેયરમાં કરવામાં આવે છે એ તેણે આ મુકાબલા સાથે પુરવાર કર્યું હતું. મેડ્વેડેવે ત્રીજો સેટ 7-5 અને ચોથો સેટ 6-4થી જીતી લઇ મુકાબલો 2-2ની બરાબરી પર લાવી દીધો હતો.

યુએસ ઓપન મેન્સ સિંગલ્સ ફાઇનલમાં કોઇ ખેલાડી બે સેટથી પાછળ રહ્યા બાદ ચેમ્પિયન બન્યો હોય તેવું છેલ્લે 1949માં બન્યું હતું. મેડ્વેડેવ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચશે કે કેમ તેનો રોમાંચ પાંચમા સેટમાં ચરમે પહોંચી ગયો હતો. જોકે, આખરી સેટમાં નડાલે પોતાનો સઘળો અનુભવ લગાડી મેડ્વેડેવને હાવી થવાની તક આપી નહોતી.

નડાલે પાંચમો સેટ 6-4થી જીતી કારકિર્દીમાં ચોથી વખત યુએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું. વિજય મેળવતાં જ નડાલ પોતાના અશ્રૂને રોકી શક્યો નહોતો. ફાઇનલમાં મેડ્વેડેવે 14 જ્યારે નડાલે પાંચ એસ ફટકારી હતી. મેડ્વેડેવે 57 જ્યારે નડાલે 46 અનફોર્સ્ડ એરર કરી હતી. 23 વર્ષીય મેડ્વેડેવ પ્રથમવાર ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં રમી રહ્યો હતો અને તેણે પોતાના દેખાવથી પ્રભાવિત કર્યા હતા.