અમેરિકા સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે ચીને પોતાની 70મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલી પરેડમાં પોતાની સૌથી ઘાતક ડીએફ-41 નામની મિસાઈલને લોન્ચ કરી છે. સૈન્ય પરેડમાં ચીને પોતાના આધુનિક અને અતિ શક્તિશાળી હથિયારોનું પ્રદર્શન કર્યું છે. જેમાં ફાઇટર પ્લેન, એરક્રાફટ કેરિયર, સુપરસોનિક મિસાઇલ અને ન્યૂક્લિયર ક્ષમતા ધરાવતી સબમરીન સહિતના હથિયારોનો સમાવેશ થાય છે.
બેલાસ્ટિક મિસાઈલની રેન્જ 15,000 કિલોમીટરની
ડોંગફેંગ એટલે કે ડીએફ-41ના ટુંકા નામથી ઓળખાતી આ ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલની રેન્જ 15,000 કિલોમીટરની છે. જે અત્યાર સુધી દુનિયામાં બનેલી તમામ મિસાઈલમાં સૌથી વધારે છે. આ મિસાઈલ 30 મિનિટમાં અમેરિકાને ટાર્ગેટ કરી શકે છે. આ પ્રસંગે ચીનના ફાઇટર વિમાનોએ હવામાં ઉડીને 70નો આંકડો બનાવ્યો હતો. વિદેશી મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર ચીન આ પરેડને દુનિયા સામે પોતાના શક્તિ પ્રદર્શન તરીકે જૂએ છે. 20 લાખથી વધુ સૈન્ય દળ ધરાવતી ચીનની સેના પીએલએ વિશ્વની સૌથી મોટી સેના છે.
અવાજ કરતાં 5 ગણી ઝડપે ઉડતા ડ્રોનનું પણ પ્રદર્શન કર્યું
સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડિઝના કહેવા પ્રમાણે આ એક પરમાણુ મિસાઈલ છે અને તે 10 અલગ અલગ ટાર્ગેટ પર પ્રહાર કરવા સક્ષમ છે. ચીને આજે યોજાયેલી પરેડમાં તેનું પ્રદર્શન કર્યું હતું.
ચીને તેની સાથે સાથે અવાજ કરતા પાંચ ગણા વધારે ઝડપથી ઉડી શકતા ડ્રોનને પણ દર્શાવ્યું હતું. ચીને પરેડના બહાને દુનિયાને પોતાની તાકાત બતાવી હતી. પરેડમાં એક લાખ કરતા વધારે કલાકારોએ ભાગ લીધો હતો.

