હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઈનાન્સ લીમીટેડ (IIFL) વેલ્થના ઇન્ડિયા રિચ લિસ્ટનું વિશ્લેષણ કરતા સામે આવ્યું કે ગુજરાતમાં રૂ. 1,000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા 65 લોકો છે અને આ તમામની કુલ સંપત્તિ રૂ. 3,06,500 કરોડ (રૂ. 3.06 લાખ કરોડ) જે રિલાયન્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની રૂ. 3,80,700 કરોડ (રૂ. 3.80 લાખ કરોડ)ની સંપત્તિ કરતા રૂ. 74,200 કરોડ ઓછી છે. પાછલા એક વર્ષમાં ગુજરાતમાં વસતા બીલીયોનેરની સંખ્યામાં 5 લોકોનો ઉમેરો થયો છે જયારે તેમની સંપત્તિ 20% જેટલી વધી છે. આ ઉપરાંત સંપત્તિ સર્જનમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરના લોકો સૌથી વધુ છે અને ત્યારબાદ જ્વેલરી સેક્ટર બીજા ક્રમે છે. આ યાદીમાં વડોદરામાં માત્ર 2 લોકો જ છે જેમની સંપત્તિ 1,000 કરોડની ઉપર હોય.
એક વર્ષમાં અબજોપતિઓની સંપત્તિમાં રૂ. 50,800 કરોડ વધી
ગુજરાતમાં વસતા અબજોપતિઓની સંપત્તિમાં પાછલા એક વર્ષમાં રૂ. 50,800 કરોડનો વધારો થયો છે. વર્ષ 2018માં અબજોપતિઓની સંખ્યા 60 હતી અને તેમની પાસે રૂ. 2.55 લાખ કરોડની સંપત્તિ હતી. તેની સામે 2019માં બિલિયોનેરની સંખ્યા વધીને 65 થઇ છે અને તેમની સંપત્તિ 20% વધી રૂ. 3.06 લાખ કરોડ નોંધાઈ છે. ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 2018માં રૂ. 71,200 કરોડ હતી જે 2019માં રૂ. 23,300 કરોડ વધીને રૂ. 94,500 કરોડ થઇ હતી. એક જ વર્ષના સમયમાં તેની સંપત્તિમાં અંદાજે 33%નો વધારો થયો છે.
2. અબજોપતિની યાદીમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો વધુ
આ અબજોપતિઓની યાદીમાં ગુજરાતમાંથી 65 લોકો છે જેમાંથી 26 લોકો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આમાં કેડિલા હેલ્થકેરના પંકજ પટેલ, ટોરેન્ટ ફાર્માના સુધીર અને સમીર મહેતા તેમજ ઇન્ટાસ ફાર્માના નિમિશ ચુડગર સૌથી મોખરે છે. સુરતના તમામ ધનાઢ્યો ડાયમંડ અને જ્વેલરી સાથે સંકળાયેલા છે.
3. સુરતમાં બિલિયોનેર વધુ પણ સંપત્તિના મામલે રાજકોટ આગળ
અમદાવાદ સિવાય અન્ય શહેરોની વાત કરીએ તો સુરતમાં અબજોપતિની સંખ્યા વધુ છે પરંતુ સંપતિના મામલે રાજકોટ વધુ અમીર છે. આંકડા જોઈએ તો સુરતમાં 8 બિલિયોનેર છે જેમની કુલ સંપત્તિ રૂ. 9,400 કરોડ થાય છે જયારે રાજકોટમાં 6 લોકો છે જેમની કુલ સંપત્તિ રૂ. 11,800 કરોડ થાય છે. આમાં બાલાજી વેફર્સ વાળા ચંદુભાઈ વિરાણી અને તેમનો પરિવાર રૂ. 8,500 કરોડની સંપત્તિ સાથે સૌથી મોખરે છે. સુરતમાં ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા હરિકૃષ્ણ એક્સપોર્ટ્સના સવજીભાઈ ધોળકિયા અને તેમના પરિવાર પાસે રૂ. 3,700 કરોડની સંપત્તિ છે.