ગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ

ગુજરાત મુખ્ય સમાચાર

શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર માર્યો હોવાનો આક્ષેપ થતા ચકચાર મચી ગઇ છે. વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા જશોદાબહેન મણિભાઇ પરમારે વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પર પુત્ર અને ગર્ભવતી પુત્રવધૂને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જશોદાબહેનના આક્ષેપ પ્રમાણે રામાપીરના ટેકરામાં તે તેના પુત્ર વિજય અને પુત્રવધૂ લીલા સાથે રહે છે. જશોદાબહેનને ત્રણ પુત્રી છે. જેમાં બે પુત્રી પીએસઆઇની તૈયારી કરી રહી છે. જ્યારે એક પુત્રી સીએસનું ભણે છે. ગઇ કાલે પડોશમાં રહેતો પ્રકાશ વિજય પાસે આવ્યો હતો. પ્રકાશે અગાઉ વિજયના પિતરાઇ ભાઇ પર તલવાર વડે હુમલો કર્યો હોવાના કારણે જશોદાબહેને તેની સાથે બોલવાનો ઇન્કાર કર્યો હતો. જશોદાબહેન પ્રકાશના પરિવારને કહેવા માટે ગયા ત્યારે આ મામલે બબાલ થઇ હતી. પ્રકાશના પરિવારજનો તેમજ જશોદાબહેન આમને સામને આવી જતાં મામલો બીચક્યો હતો. પ્રકાશના પરિવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં ગયાે હતાે જ્યારે જશોદાબેને કંટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરી હતી.