અક્ષયકુમાર અને પરિણીતી ચોપરા સ્ટારર ‘કેસરી’એ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. ફિલ્મ આ વર્ષની સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે. ફિલ્મે પહેલા જ દિવસે ભારતમાં ૨૧.૫૦ કરોડનું કલેકશન કર્યું છે. આ જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. તેને લખ્યું છે કે કેસરીએ બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી છે. ૨૦૧૯ની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની છે. હોળીના કારણે સવારે અને બપોરના લિમિટેડ શો હતા, પરંતુ સાંજના શોમાં ફિલ્મ જબરદસ્ત કમાણી કરી છે. પહેલા જ દિવસે ૨૧.૫૦ કરોડનો બિઝનેસ થયો છે. આ ફિલ્મમાં સારાગઢીમાં થયેલા ઐતિહાસિક યુદ્ધની સાચી કહાણી છે. તેમાં અક્ષયકુમાર વીર બહાદુર હવાલદાર ઈશરસિંહના રોલમાં જોવા મળ્યો છે. ઈશરસિંહ ૩૬ શીખ રેજિમેન્ટની ૨૧ લોકોની એક ટુકડીના કમાન્ડર હતા. સારાગઢી આજે પાકિસ્તાનના વજિરિસ્તાનમાં છે. જ્યાં વર્ષ ૧૮૯૭માં યુદ્ધ લડાયું હતું. તેમાં ૨૧ બહાદુર શીખ જવાનોએ ૧૦,૦૦૦ અફઘાન સૌનિકોને ધૂળ ચટાવી દીધી હતી. ૨૦૧૯માં રિલીઝ થયેલી મોટી ફિલ્મોમાં ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકનું ફર્સ્ટ ડે કલેકશન ૮.૨૦ કરોડ હતું. જ્યારે ‘મણિકર્ણિકા’નું ૭.૭૫ કરોડ, ‘ગલી બોય’નું ફર્સ્ટ ડે કલેકશન ૧૯.૪૦ કરોડ, ‘ટોટલ ધમાલ’નું ૧૬.૫૦ કરોડ, ‘લુકાછુપી’નું ૮.૧ કરોડનું અને ‘સોનચીડિયા’નું ૧.૨૦ કરોડ હતું.
