ચીનના પ્રમુખ શી જિનપિંગના બે દિવસના ભારત પ્રવાસની વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે.
જિનપિંગ 11 ઓક્ટોબરે ભારત આવશે. તેમની અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે અનૌપચારિક શિખર મંત્રણા થશે. જિનપિંગની સાથે ચીનના બીજા વરિષ્ઠ નેતાઓ પણ આવવાના છે. આ મંત્રણામાં આતંકવાદ સહિતના બીજા પાસાઓ પર ચર્ચા થશે.એવી પણ ખબર છે કે, ભારત અને ચીનની સેના ડિસેમ્બર 2019માં આતંકવાદ વિરોધી કવાયતમાં સંયુક્ત રીતે ભાગ લેશે.
જિનપિંગને પીએમ મોદીએ ભારત આવવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. તામિલનાડુના મહાબલિપુરમમાં યોજાનારી આ મુલાકાતમાં કોઈ એમઓયુ નહી થાય. આ માત્ર અનૌપચારિક બેઠક હશે. બંને દેશના નેતાઓ વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. મુખ્ય ફોકસ બંને દેશો વચ્ચેના સબંધો સુધારવા પર અને ચીન-ભારત બોર્ડર પર શાંતિ કેવી રીતે રહે તેના પર રહેશે.
ભારતે આ મુલાકાત પહેલા સ્પષ્ટ કરી દીધુ છે કે, તેમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા અંગે કોઈ ચર્ચા થવાની નથી. કારણકે આ ભારતનો આંતરિક મામલો છે.
મહાબલિપુરમ તામિલનાડુનુ દરિયા કિનારે આવેલુ એક પ્રાચીન શહેર છે. આ શહેર અને ચીન વચ્ચે સદીઓ પહેલા વ્યવસાયિક સબંધો હતો તેમ મનાય છે.

