ભૂજમાં 7.7 રીકટર સ્કેલનો ભૂકંપ આવ્યો: 6 જિલ્લાઓમાં કુલ 966 લોકોનું સ્થળાંતર

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાત રાજય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સંયુક્ત ઉપક્રમે આજે રાજ્યના છ જિલ્લાઓમાં દેશની સૌથી મોટી રાજ્ય કક્ષાની સફળ ‘‘કેમિકલ ડિઝાસ્ટર એક્સરસાઇઝ’’-મોક ડ્રિલ યોજાઇ હતી. જેમાં અંદાજે 222 ઉદ્યોગો તેમજ 25 ઇન્ડસ્ટ્રીઝ મળી કુલ 247 એકમોએ ભાગ લીધો હતો. આ એક્સરસાઇઝ દરમિયાન સંબંધિત જિલ્લાઓમાંથી કુલ 966 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રિલને સફળ બનાવવા 6 જિલ્લાઓમાં અંદાજે 5669 જેટલા અધિકારી-કર્મચારીઓ તેમજ સુરક્ષા એજન્સીઓના જવાનોએ ભાગ લીધો હતો તેમ, ગુજરાત રાજય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સીઇઓ શ્રી અનુરાધા મલે જણાવ્યું હતું.

શ્રી અનુરાધા મલે કહ્યું હતું કે, આજે સવારે 9.00 કલાકે ભૂજમાં 7.7 રીકટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. જેના ભાગરૂપે ભૂકંપથી સર્જાયેલ હોનારતથી બચવા સવારે 9.00 કલાકે મોક એક્સરસાઇઝનો પ્રારંભ થયો હતો. જ્યારે બપોરે 2.30 કલાકે આ એકસરસાઇઝ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

આ મોક એક્સરસાઇઝ દરમિયાન જામનગર, વડોદરા, વલસાડ, અમદાવાદ, સુરત અને ભરૂચમાં આવેલી વિવિધ ઇન્ડસ્ટ્રીઝ- રિફાઇનરીઓમાં વિવિધ ગેસ લિકેજ થયા હતા. જેમાં વડોદરા જિલ્લામાં 29, સુરત – 51, વલસાડ – 04 એમ મળીને કુલ – 84 વ્યકિતઓને અસર થઇ હતી. જ્યારે અન્ય 83 વ્યક્તિઓને ઇજા તેમજ કુલ 2 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા. અસરગ્રસ્તોને 108 અને વિવિધ એમ્બ્યુલન્સના માધ્યમથી નજીકની હોસ્પીટલોમાં મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન વડોદરામાં 354, વલસાડમાં 60, જામનગરમાં 200, અમદાવાદમાં 84, સુરતમાં 215 તેમજ ભરૂચમાં 53 એમ કુલ 966 લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ મોક ડ્રીલને સફળ બનાવવા સુરતમાં-650, વડોદરામાં-2300, વલસાડમાં-1052, ભરૂચમાં-312, અમદાવાદમાં-1050 અને જામનગરમાં-305 એમ કુલ અંદાજે 5669 જેટલાં જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષાદળના જવાનોએ ભાગ લીઘો હતો.