બજેટ ન હોવાના કારણે યૂપી પોલીસે 25 હજાર હોમગાર્ડ્સ ઘરભેગા કર્યા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ઉત્તર પ્રદેશ પોલીસે અલગ-અલગ જીલ્લાઓમાં ફરજ બજાવી રહેલા હોમગાર્ડના 25 હજાર જવાનોને તાત્કાલિક ધોરણે ફરજ પરથી હટાવવાનો નિર્ણય લીધો છે. સોમવારે પ્રયાગરાજમાં રાજ્ય પોલીસ દ્વારા જાહેર કરાયેલા કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, 25 હજાર હોમગાર્ડને ફરજ પરથી હટાવવાનો નિર્ણય ઓગસ્ટ 2019માં ચીફ સેક્રેટરીના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં લેવાયો હતો.

રાજ્ય પોલીસ સૂત્રો મુજબ બજેટની અછતને કારણે રાજ્ય પોલીસે આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. ઉત્તર પ્રદેશ સરકારના આ નિર્ણયને લીધે રાજ્ય પોલીસમાં સેવા આપી રહેલા 25 હોમગાર્ડ જવાનો બેરોજગારીની ભરડામાં ધકેલાઇ ગયા છે.

વિતેલા દિવસોમાં સુપ્રીમ કોર્ટે તેના એક આદેશમાં જણાવ્યું હતું કે હોમગાર્ડને મળતા દૈનિક ભથ્થા પોલીસ કર્મચારીને મળતા ભથ્થા બરાબર હોવા જોઇએ, જે પછી રાજ્યમાં હોમગાર્ડના દૈનિક ભથ્થા 500 રુપિયાથી વધારીને 672 રુપિયા કરવામાં આવ્યું હતું. પરંતુ હવે ફંડની અછત હોવાના કારણસર મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનોને ઘરભેગા કરવામાં આવી રહ્યા છે. માહિતી મુજબ યૂપીમાં એક લાખ હોમગાર્ડ જવાનો સેવા આપી રહ્યા છે.

ફંડની અછત પર રાજ્ય પોલીસ અધિકારીઓનું કહેવું હતું કે, હોમગાર્ડ જવાનોના દૈનિક ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ બજેટમાં વધારો ન કરાયો. અમે આશા રાખીએ છીએ કે ટૂંક જ સમયમાં આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય જેથી હોમગાર્ડ જવાનો ફરડજ પર પાછા ફરી શકે.