સિબ્બલે પીએમ મોદીને કહ્યુંઃ‘મોદીજી કામ પર લાગી જાઓ, ફોટા ઓછો ખેંચાવો’

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે નોબેલ પુરસ્કાર માટે પસંદ કરાયેલા અભિજીત બેનર્જીના કેટલાક નિવદેનનો હવાલો આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મંગળવારે કટાક્ષ કરતા કહ્યું કે, મોદીએ કામ પર લાગી જવું જોઈએ અને ફોટા ઓછો ખેંચાવવા જોઈએ.

કપિલ સિબ્બલે ટ્વીટ કર્યું છે કે, શું મોદીજી સાંભળી રહ્યાં છે ? અભિજીત બેનર્જીએ કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા ડગમગની સ્થિતિમાં છે, આંકડામાં રાજનીતિક દરમિયાનગીરી થાય છે. સરેરાશ શહેરી અને ગ્રામ્ય વપરાશ ઘટ્યો છે, જે સિત્તેરના દાયકા બાદ ક્યારેય થયું નથી અને આપણે સૌ સંકટમાં છીએ.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કપિલ સિબ્બલે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘કામ પર લાગી જાઓ, ફોટા ઓછા ખેંચાવો.’

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય મૂળના અમેરિકી નાગરિક અભિજીત બેનર્જીની વર્ષ 2019 માટે અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે. તેમને આ પુરસ્કાર ફ્રાંસની એસ્થર ડુફ્લો અને અમેરિકાના માઈકલ ક્રેમર સાથે સંયુક્ત રીતે અર્પણ કરાશે. આ પુરસ્કાર વૈશ્વિક સ્તર પર ગરીબી નાબૂદ માટે કરાયેલાં કાર્યોને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે.