શિવસેના વિધાનસભા પક્ષના નેતા તરીકે એકનાથ શિંદે ચૂંટાયા

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને એક સપ્તાહનો સમય થઇ ગયો છે પરંતુ હજુ મુખ્યમંત્રીની ખુરશી માટે ખેંચતાણ ચાલું છે. ભાજપ અને શિવસેનાની વચ્ચે હજુ ફિફ્ટી-ફિફ્ટીની ફોર્મ્યુલા પર મામલો અટક્યો છે. આ દરમિયાન શિવસેના વિધાનસભા પક્ષની બેઠકમાં એકનાથ શિંદેને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

શિંદેના નામ માટે આદિત્ય ઠાકરેએ જ પ્રસ્તાવ રાખ્યો હતો, જેના નામ પર શિવસેનાના તમામ 56 ધારાસભ્યોએ પોતાની સહમતી આપી હતી. જોકે, તેનો અર્થ એ નથી કે આદિત્ય ઠાકરેની મુખ્યમંત્રી બનવાની શક્યતા સમાપ્ત થઈ છે.

એકનાથ શિંદેને નેતા બનાવ્યા બાદ પણ શિવસેના આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી પદ માટે આગળ કરી શકે છે. બીજી તરફ, સુનીલ પ્રભુને ગૃહમાં પાર્ટીના ચીફ વ્હીપ બનાવવામાં આવ્યા છે. સૂત્રોના કહેવા અનુસાર, શિવસેનાની આજે મળેલી ધારાસભ્યોની બેઠકમાં ભાજપ દ્વારા અપાયેલી ઉપ-મુખ્યમંત્રી પદની ઓફર અંગે ચર્ચા થઈ નથી.

મીડિયા અહેવાલ અનુસાર, ભાજપ શિવસેનાને ઉપ-મુખ્યમંત્રી પદની સાથે 13 મંત્રી પદ આપવાનો નિર્ણય કર્યો છે. જોકે, ભાજપ મહેસૂલ, નાણાં, ગૃહ અને શહેરી વિકાસ જેવા મહત્વના ખાતા પોતાની પાસે રાખી શકે છે. પરંતુ શિવસેનાની જીદ કેટલી સફળ થશે, તેનો ખ્યાલ આવનારા દિવસોમાં આવશે.