કર્ણાટકમાં ફોન ટેપિંગ મામલે CBIને તપાસ સોંપાશે: CM યેદિયુરપ્પા

મુખ્ય સમાચાર રાજકીય

કર્ણાટકમાં BJP સરકારના આવ્યા બાદ સતત ફોન ટેપિંગનો મુદ્દો ગરમાયો છે. આ મુદ્દે CM બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ છે કે ગત સરકાર દરમિયાન થયેલા ફોન ટેપિંગ કેસને હવે CBIને સોંપવામાં આવશે.

કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સહિત કેટલાક નેતાઓએ આ મામલે તપાસ કરાવવાની માગ કરી હતી. આ સાથે જ સીએમ યેદિયુરપ્પાએ ક્હ્યુ કે 20 ઓગસ્ટે મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યુ કે ધારાસભ્ય દળની બેઠક થશે નહીં. ભાજપ નેતા એસ. પ્રકાશે એચ ડી કુમારસ્વામીની ગત સરકાર પર ફોન ટેપિંગ કરાવવાનો આરોપ લગાવ્યો છે.

કર્ણાટકમાં ફોન ટેપિંગના મુદ્દાએ છેલ્લા પાંચ દિવસથી જોર પકડ્યુ છે. જેડીએસના પૂર્વ નેતા એએચ વિશ્વનાથે પૂર્વની જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર પર પ્રદેશના નેતાઓ પર ફોન ટેપિંગ અને જાસૂસીનો આરોપ લગાવ્યો છે. પાર્ટી સાથે બગાવત પહેલા વિશ્વનાથ જેડીએસના પ્રદેશ પ્રમુખ હતા પરંતુ બગાવત બાદ તેમને અયોગ્ય જાહેર કરી દેવાયા.

એક તરફ જ્યાં પ્રદેશમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર પર જાસૂસીનો આરોપ લાગ્યો છે ત્યાં બીજી તરફ પૂર્વ સીએમ એચડી કુમારસ્વામી પોતાની ઉપર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યા છે.

કુમારસ્વામીએ ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યુ કે મે સૌથી પહેલા કહ્યુ હતુ કે મુખ્યમંત્રીનું પદ સ્થાયી હોતુ નથી. મારે સત્તામાં રહેવા માટે ફોન ટેપ કરાવવાની કોઈ જરૂર નથી. મારા વિરુદ્ધ લગાવવામાં આવેલા તમામ આરોપ ખોટા છે.