ભારતીય વાયુસેના પોતાના 87મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. બાલાકોટ એર સ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદન વર્માએ આજે ફરી એકવાર મિગ ફાઈટર જેટ વિમાનમાં ઉડાણ ભરી. આ દરમિયાન 3 મિરાજ 2000 એરક્રાફ્ટ,સુખોઈએ પણ વાયુસેના દિવસના અવસરે ઉડાણ ભરી. પાકિસ્તાનના F-16 વિમાનને તેના જ ઘરમાં ઘૂસીને તોડી પાડનારા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને જ્યારે આજે હિંડન એરબેસ પરથી મિગ-21 બાઈસન દ્વારા ફ્લાય પાસ્ટ કરી ત્યારે હાજર તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. એરફોર્સ ડે પર આજે અભિનંદનની સાથે 3 મિગ 21 વિમાનો ઉડાણ ભરી રહ્યાં હતાં. તેમનું નેતૃત્વ વીરચક્ર વિજેતા અભિનંદન કરી રહ્યાં હતાં. જેવા અભિનંદન ફ્લાય પાસ્ટની જાહેરાત થઈ કે તાળીઓથી એરબેસ ગૂંજી ઉઠ્યો હતો. અત્રે જણાવવાનું કે બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને ભારતીય એર સ્પેસનો ભંગ કરવાની કોશિશ કરી હતી અને પાકિસ્તાનના એક F-16 વિમાનને ખદેડતા અભિનંદને તેને તોડી પાડ્યું હતું. આખી દુનિયામાં અભિનંદનના વખાણ થયા હતાં. એફ-16 સામે મિગ-21 બાઈસન ખુબ જૂનું વિમાન ગણાય છે. આ દરમિયાન અભિનંદનનું વિમાન જો કે ક્રેશ થઈ ગયું હતું અને પાકિસ્તાની સેનાએ તેમને પકડી લીધા હતાં. પરંતુ ગણતરીના કલાકોમાં પાકિસ્તાને તેમને છોડવા પડ્યા હતાં. આ પરમ વિરતા માટે અભિનંદનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

