હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમતિ નથી મળી રહી ત્યારે હવે દુષ્યંત ચૌટાલા કિંગમેકર તરીકે ઉભરી શકે છે. ચાવીના નિશાન સાથે પોતાનો અલગ પક્ષ જનનાયક જનતા પાર્ટીને ટૂંક સમયમાં જ બે અંકમાં બેઠકો જીતાડનાર દુષ્યંતનું નામ રાજકીય ગલિયોમાં ગૂંજી ઉઠ્યું છે. તેમના પક્ષના નિશાન ચાવીની જેમ જ સત્તાની ચાવી પણ હવે તેમના હાથમાં આવી ગઈ છે.
ગત ડિસેમ્બરમાં જ જેજેપી નામથી તેમણે પોતાનો પક્ષ સ્થાપ્યો હતો. હરિયાણાના કદ્દાવર રાજકીય પરિવારના વારસદાર દુષ્યંતને રાજકારણના ગુણ વારસામાં મળ્યા છે. તેમના વડદાદા અને પૂર્વ નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલ તાઉના નામથી પ્રખ્યાત હતા. ચૂંટણી અગાઉ દુષ્યંતની પાર્ટીને વિપક્ષોએ હળવાશમાં લીધી હતી પરંતુ થોડા જ મહિનાઓમાં દુષ્યંત ચૌટાલા પોતાના વડદાદાના વારસાના વારસદાર તરીકે ઉભરી આવ્યા છે.
સૌથી યુવા સાંસદનો રેકોર્ડ
દુષ્યંત ચૌટાલા જેજેપીના અધ્યક્ષ તેમજ સ્થાપક છે. 16મી લોકસભા ચૂંટણીમાં તે હિસાર મતક્ષેત્રથી સાંસદ ચૂંટાયા હતા. 2014ના લોકસભા ચૂંટણીમાં ચૌટાલાએ હરિયાણા જનહિત કોંગ્રેસ (ભજનલાલ)ના કુલદીપ બિશ્નોઈ પર જીત મેળવી હતી. ત્યારબાદ તેમનું નામ ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ’માં નોંધાયું હતું.
દુષ્યંતનો જન્મ 3 એપ્રિલ 1988ના અજય ચૌટાલા અને નૈના ચોટાલાના ઘરે થયો હતો. દુષ્યંત હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનો પૌત્ર છે. ઈન્ડિયન નેશનલ લોકદળમાંથી બહાર કરવામાં આવ્યા બાદ તેમણે 9 2018ના જેજેપીની સ્થાપના કરી હતી.
પીએમ મોદીએ પણ રેલીમાં ઉલ્લેખ કર્યો હતો
હરિયાણાના ધુરંધર રાજકીય નેતાઓ જે જેજેપીને બચ્ચા પાર્ટી કહેતા હતા, તેમણે થોડા મહિનાઓમાં જ પોતાનો દબદબો દેખાડતા હવે બધાની બોલતી બંધ કરી દીધી છે. દુષ્યંત ચૌટાલાની આગેવાનીમાં પાર્ટીએ જે પરિણામ આપ્યું છે તેનાથી સૌ કોઈ મોઢામાં આંગળા નાંખતા રહી ગયા છે. સત્તારૂઢ ભાજપ અને રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસના પણ આ પાર્ટીએ દાંત ખાટા કરી નાંખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હરિયાણામાં એક રેલીમાં આ પાર્ટીનો ઉલ્લેખ કર્યો હતો.

