જમ્મુ-કાશ્મીરમાં આતંકી સફરજનના વેપારીઓથી જોડાયેલા ટ્ર્ક ડ્રાઇવરોને નિશાનો બનાવી રહ્યા છે. આતંકીઓએ ગુરુવાર રાત્રે શોપિયાં ખાતે બે ટ્રક ડ્રાઇવરોની ગોળી મારી હત્યા કરી નાંખી છે. બંને ટ્રક ડ્રાઇવર રાજસ્થાન અને હરિયાણાથી સફરજનની જથ્થો લેવા માટે કાશ્મીર ગયા હતા. આ પહેલા ગત સપ્તાહમાં આતંકીઓએ પંજાબના એક વેપારીની હત્યા કરી નાંખી હતી. શોપિયાંમાં 10 દિવસમાં સફરજનના વેપાર સાથે જોડાયેલા ચાર લોકોની હત્યા કરી દેવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ રાજસ્થાન અને હરિયાણાના બે ટ્રક ડ્રાઇવર સફરજન લેવા માટે શોપિયાં ગયા હતા. બંને ટ્રક લઇને સુરક્ષા દળોને જાણ કર્યા વગર કાશ્મીરના અંદરના ભાગમાં ચાલ્યા ગયા હતા. જે દરમિયાન તેઓ આંતકીઓનો શિકાર બન્યા હતા. આ મામલે સ્થાનિક પોલીસે તપાસ અભિયાન હાથ ધર્યા છે.
આ પહેલા આતંકીઓએ 14 ઓક્ટોબરે રાજસ્થાનના ડ્રાઇવરની હત્યા કરી હતી, જે પછી 16 ઓક્ટોબરે પંજાબના એક સફરજનના વેપારીને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યાના 70 દિવસ પછી પોસ્ટપેડ મોબાઇલ સેવા શરુ કરવામાં આવી હતી જે પછી વેપારીઓએ કાશ્મીરથી સફરજનનો વેપાર શરુ કર્યો હતો, પરંતુ આતંકી તેમને નિશાનો બનાવીને ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે.

