આગામી 5 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાત મુખ્ય સમાચાર

આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. તેમાં ખાસ કરીને દ્વારકા અને કચ્છમાં વરસાદ પડે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડાની ચેતવણીને પગલે અને દિવાળીના જ દિવસે ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી વેરાવળ, પોરબંદર તેમજ અમરેલી જિલ્લાના બંદરો સહિતના સ્થળોએ 2 નંબરના સિગ્નલ લગાવાયા હતા. વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે પરંતુ તેની અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. ત્યારે આજે બપોરે અમદાવાદમાં અચાનક ગરમીનો પારો વધ્યો હતો અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો.

અનેક વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ

એસજી હાઈવે, પ્રહલાદનગર, મણિનગર, કાકરિયા, રાયપુર, ઈશનપુર, જશોદાનગર, ખોખરા, હાટકેસવર, અમરાઈવાડી, રખિયાલ, વસ્ત્રાલ, ઓઢવ, ગોમતીપુર, કાલુપુર, શાહીબાગ, વાડજ, રાણીપ, ચાદલોડિયા અને ગોતામાં ઝરમર વરસાદ પડ્યો હતો.

આજથી ગરમીમાં સામાન્ય વધારો થશે
‘ક્યાર’ વાવાઝોડાની અસર ઘટતાં 31 ઓક્ટોબર સુધી તાપમાનમાં ક્રમશ: વધારો થશે. ત્યારબાદ 1લી નવેમ્બરથી ફરીથી ઠંડીનું જોર વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી ગગડીને 31.3 અને લધુત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડીને 22.3 ડિગ્રી નોંધાયું હતું. જો કે, સોમવારથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ફરીથી ગરમીમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે જયારે 1લી નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે.